ચેક રીટર્ન કેસમાં દોષિત સાબિત થતાં સુરતના વેપારીને બે વર્ષની સજા
હિંમતનગરની સિરામીકમાંથી માલ લઈ આપેલો રૂ.૧૮.૮૪ લાખનો ચેક ડિસઓનર થયો હતો

હિંમતનગર-પ્રાંતિજ રોડ પર આવેલી એક સિરામીક કંપનીમાંથી છ વર્ષ અગાઉ માલ ખરીદનાર સુરતના એક વેપારીને ચેક રીટર્ન કેસમાં દોષિત ઠરાવી કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે. સાથે જ ચેકમાં દર્શાવેલી સંપૂર્ણ રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ ૨૦૨૦માં સુરતના વેપારી અશોક શાંતિલાલ સામરાએ પ્રાંતિજ તાલુકાના દલપુર ગામની સીમમાં આવેલી એમેઝોન સિરામીકમાંથી અંદાજે રૂ.૧૮.૮૪ લાખનો માલ ખરીદ્યો હતો. આ રકમની ચુકવણી પેટે તેમણે એમેઝોન સિરામીકના સંચાલકોને એક ચેક આપ્યો હતો, પરંતુ નિયત સમયમર્યાદામાં માલની રકમ ભરપાઈ થઈ ન હતી.
આથી સિરામીકના સંચાલકોએ વકીલ કેતકીબેન સોનીની મદદ લઈ હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસની અંતિમ સુનાવણી તાજેતરમાં હાથ ધરાઈ હતી, જેમાં ન્યાયાધીશ ચંગીઝ રાઠોડ સમક્ષ વકીલ કેતકીબેન સોનીએ દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરી હતી.
તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે સુરતના વેપારી અશોક સામરાને દોષિત ઠરાવ્યા હતા અને તેમને બે વર્ષની કેદની સજા ફટકારવા સાથે ચેકમાં દર્શાવેલી રૂ.૧૮.૮૪ લાખની રકમ ફરિયાદી પક્ષને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.




