હિંમતનગરમાં ટીપી સ્કીમના નામે પ્લોટધારકના પ્લોટની જમીન પડાવી લેવાનો કારસો
વગર ટીપી સ્કીમના બહાને રોડ બનાવી દીધાનો આક્ષેપ પ્લોટધારકને નોટીસ આપી દીધી પ્લોટધારકે કલેકટરને આવેદનપત્ર આપ્યું ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી

જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની મુદત પૂર્ણ થવાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ કાયદાની છટકબારીઓ શોધીને કેટલાક રહીશોની મિલકતોમાં જાહેર રસ્તાઓ બનાવી દીધા છે ત્યારે ભોગ બનનાર પ્લોટધારકે ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે.
આ અંગે હિંમતનગરની એક સોસાયટીમાં રહેતા મનોજ પ્રવિણચંદ્ર પુરોહિતે જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમનો પ્લોટ સર્વે નં. પ૧-૦ર-૧૧ માં ૧૪ નંબરનો છે. તો બીજી તરફ મુસદ્દારૂપ નગરરચના યોજના હિંમતનગર ક્રમાંક નં. ૩ ગુજરાત ટાઉનપ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ ૪૮-એ ની જોગવાઈને આધિન એકટ નં. ૬૮ અને તે હેઠળના રૂલ નં. ૩૩ મુજબ ટૂંકી નોટીસ આપીને એકટની કલમ ૪૮-એ ની જોગવાઈ મુજબ ટીપી રોડમાં અસરકર્તા જમીનનો ખાલી અને પ્રત્યક્ષ કબજો નગરપાલિકાને સોંપી દેવા નોટીસમાં જણાવ્યુ છે.
તો બીજી તરફ પ્લોટધારકનું કહેવું છે કે વર્ષ ર૦૧૧ માં જાહેરનામાનો ઉલ્લેખ છે આ ડ્રાફટ સ્કીમને પ્રસિધ્ધ થયે ૧પ વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર ધ્વારા ફાઈનલ કરવામાં આવી નથી. એટલુ જ નહી પણ આખરી ગેઝેટ પ્રસિધ્ધ કરાયું નથી, કુદરતી ન્યાય અંતર્ગત ટીપી સ્કીમનો ડ્રાફટ પ્લાન જ્યારે નગરપાલિકાએ જાહેર કરી વાંધા સૂચનો મંગાવ્યા હતા. જે છ મહિના પહેલા ટાઉન પ્લાનર દ્વારા સાંભળવામાં આવ્યા હોવા છતાં મનોજ પુરોહિતના વાંધાઓ ધ્યાને લેવાયા નથી. જેના લીધે તેમની મિલકતમાં ડી-માર્કેશન કરી દેવામાં આવ્યું છે. ફોર્મ એફ આપ્યું નથી. જેથી કાયદેસરની કેટલી કપાત થાય છે તેની જાણ મને નથી.
કપાત અંગે ટેકનીકલ વાંધો ઉઠાવતા પ્લોટધારકનું કહેવું છે કે ર૩પ ચો.મીટરના પ્લોટમાંથી નગરપાલિકાએ અગાઉ ૧૦૦ ચો.મીટર જમીનમાં ટીપી રોડ બનાવી દીધો છે. હવે ફરીથી વધુ કપાત થાય તો તે પછી બાકી રહેતી જમીનમાં પ્લાનીંગ કરી શકાય તેમ નથી.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૧પ વર્ષ સુધી નગરપાલિકાને કાયર્વાહી કરવાનું સુજ્યું છે તે વ્યાજબી નથી. ફોર્મ-એફ મળ્યા પછી પ્લોટધારકને તેનો અભ્યાસ કરવા માટે ૬૦ દિવસની જરૂર હોવા છતાં પુરતો સમય અપાયો નથી. જેથી નારાજ થઈને પ્લોટધારક મનોજ પુરોહિતે બુધવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને દરમ્યાનગીરી કરી ન્યાય અપાવવા માટે માંગ કરી છે. નગરપાલિકાની આ ગેરવ્યાજબી પદ્ધતિને કારણે તેઓ જરૂર પડે હાઈકોર્ટનો આશરો લેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શારદાકૂંજ સોસાયટી પાછળ વૈશાલી સિનેમા ટીપી રોડથી અક્ષય ટીપી રોડને જોડીને ગઢોડા પોલીટેકનીક ચાર રસ્તા સુધીનો માર્ગ અત્યારે ખૂબ જ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને સ્થાનિકો માટે મુશ્કેલી સમાન છે. અગાઉ નવ મીટરનો રોડ યોગ્ય હતો પરંતુ ટીપી રોડને કારણે સ્થાનિક પ્રજાને સગવડો કરતાં અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાનમાં નગરપાલિકાના વાંધા ધ્યાને લઈ ન્યાયિક સુધારા સાથેનો પ્રિલીમરી પ્લાન વહેલી તકે તૈયાર કરવામાં આવે અને સરકારની મંજૂરી બાદ રોડ કપાત કે આગળનું કામ હાથ ધરવામાં આવે તો કાયદાકીય ગૂંચ ઉભી થાય નહીં




