હિંમતનગર બી ડિવિઝન પોલીસે રીઢા રીક્ષા ચોરને ઝડપ્યો: ₹૩.૧૦ લાખની ૨ ચોરાઉ રીક્ષા કબ્જે, ૧૭થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સર્વેલન્સ સ્ટાફે અગાઉ પણ અનેક ચોરીઓમાં પકડાઇ ચૂકેલા રીઢા રીક્ષા ચોરને બે ચોરાઉ રીક્ષાઓ સાથે પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા એસ.પી. ડૉ. પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રીક્ષા (GJ-09-AX-8910, કિંમત ₹૧,૫૦,૦૦૦/-) ચોરી થતાં ગુનો નોંધાયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. વસાવા તથા પી.એસ.આઈ. એ.પી. માળીની સૂચનાથી સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર અને ટીમે સીસીટીવી ફૂટેજ તથા બાતમી આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પકડાયેલ આરોપી સુરેશભાઈ નાનજીભાઈ ઉર્ફે પ્રહલાદજી વેલાજી ઠાકોર (ઉં.વ. ૩૫, રહે. જીલીયા, તા. ચાણસ્મા, જી. પાટણ) ચોરીની રીક્ષા સાથે ઝડપાઈ ગયો હતો.
પોલીસે આરોપીની સઘન અને યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી પણ એક રીક્ષા (GJ-27-TE-3494, કિંમત ₹૧,૬૦,૦૦૦/-) ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જે બોડકદેવ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ ગુનાનો ભાગ હતી. પોલીસે બંને રીક્ષાઓ મળી કુલ ₹૩,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીનો ચોંકાવનારો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી સામે અમદાવાદ, ગાંધીનગર, બોડકદેવ, સેટેલાઇટ, સરખેજ, સોલા હાઇકોર્ટ, વસ્ત્રાપુર અને ઇન્ફોસિટી સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રીક્ષા ચોરીના ૧૭થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
આ કામગીરીમાં પી.એસ.આઈ. એ.પી. માળી, અ.હે.કો. રાકેશકુમાર, અ.પો.કો. હિતેશકુમાર, અભિષેક, આશિષકુમાર, ધરમવીરસિંહ અને બ્રિજેશકુમાર સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.




