હિમતનગર

માત્ર બે ઇંચ વરસાદે હિંમતનગર નગરપાલિકાની પોલ ખોલી! શહેર પાણીમાં ગરકાવ, રોડ બેસ્યા, ખાડાઓ પડ્યા; શહેરીજનોમાં ભારે રોષ

હિંમતનગર શહેરમાં ગઈકાલે પડેલા માત્ર બે ઇંચ વરસાદે જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. શહેરના બેરણા રોડ, ગાયત્રી મંદિર રોડ સહિત અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અનેક સ્થળોએ વરસાદી પાણીની લાઈનો બેસી જતાં રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા અને તેમાં વાહનો ફસાવાની ઘટનાઓ પણ સામે આવી હતી. આજે પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જ્યારે નગરપાલિકાની ટીમ દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે. નવા સમાવિષ્ટ વિસ્તારો તેમજ બેરણા રોડના અંદાજે દોઢ કિલોમીટર માર્ગના રૂ. 2.50 કરોડના કામનો કોન્ટ્રાક્ટ કેપ્ટન એજન્સીને આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી મંથર ગતિએ ચાલી રહી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જેના કારણે સામાન્ય વરસાદમાં પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

વિપક્ષે પણ નગરપાલિકાના શાસકોની અણઆવડત અને પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવને જવાબદાર ઠેરવ્યા છે. શહેરમાં વરસાદી પાણી ભરાવા, રોડ બેસી જવા અને ખાડા પડવાની સમસ્યાને લઈને વિપક્ષે નગરપાલિકા ખાતે વિવિધ વિભાગોની સંકલિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ રચવાની માંગ કરી છે, જેથી વરસાદ દરમિયાન શહેરીજનોને તાત્કાલિક રાહત અને જરૂરી સેવાઓ મળી રહે.

હાલ તો માત્ર એક જ વરસાદે હિંમતનગર નગરપાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ચોમાસાની હજુ શરૂઆત જ થઈ છે ત્યારે આગામી દિવસોમાં ભારે વરસાદ વરસશે તો હાલની પરિસ્થિતિ કરતાં પણ વધુ વિકટ સમસ્યાઓનો સામનો શહેરીજનોને કરવો પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!