સાબરકાંઠા | BZ પોન્ઝી સ્કીમ મામલો : એક વર્ષ બાદ રોકાણકારો આકરાપાણીએ, મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે આક્રોશ
ગ્રામ્ય કોર્ટમાં રોકાણકારો અને BZ પોન્ઝી સ્કીમના એજન્ટો વચ્ચે માથાકૂટ, નાણાં પરત ન મળતાં ઉગ્ર બોલાચાલી

BZ પોન્ઝી સ્કીમના મામલે એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં રોકાણકારોને તેમના નાણાં પરત ન મળતા હવે રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા સામે રોકાણકારોએ આક્રોશ વ્યક્ત કરી કોર્ટની શરતોનું પાલન કરાવવાની માંગ ઉઠાવી છે.
મળતી માહિતી મુજબ, BZ પોન્ઝી સ્કીમમાં મોટી સંખ્યામાં રોકાણકારોએ નાણાંનું રોકાણ કર્યું હતું. જોકે લાંબો સમય વીતી ગયા બાદ પણ રોકાણકારોને તેમના નાણાં પરત મળ્યા નથી. આ મુદ્દે રોકાણકારો તેમજ સ્કીમ સાથે જોડાયેલા એજન્ટોમાં પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
દરમિયાન ગ્રામ્ય કોર્ટમાં રોકાણકારો અને BZ પોન્ઝી સ્કીમના એજન્ટો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના સામે આવી છે. નાણાં પરત મેળવવા અંગેની ચર્ચા દરમિયાન મામલો ગરમાયો હતો અને બંને પક્ષો વચ્ચે માથાકૂટ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રોકાણકારોના જણાવ્યા મુજબ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાને નાણાં પરત કરવાની શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટમાં નાણાં જમા કરાવવાનો પણ આદેશ કર્યો હોવાનો રોકાણકારોનો દાવો છે. તેમ છતાં આજદિન સુધી નાણાં કોર્ટમાં જમા કરવામાં આવ્યા નથી, જેના કારણે રોકાણકારોમાં વધુ રોષ ફેલાયો છે.
રોકાણકારોએ હવે કોર્ટ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે કે જો હાઈકોર્ટ દ્વારા મૂકવામાં આવેલી શરતોનું પાલન થયું નથી તો ભૂપેન્દ્ર ઝાલાના જામીન રદ કરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. રોકાણકારોનું કહેવું છે કે એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નાણાં પરત ન મળતા તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે.
આ સમગ્ર મામલે હવે ટ્રાયલ કોર્ટમાં આગળ શું કાર્યવાહી થાય છે અને રોકાણકારોને તેમના નાણાં ક્યારે પરત મળે છે તેના પર સૌની નજર છે.




