Uncategorized

અજાવાસમાંથી એસઓજીએ ડ્રોનથી ગાંજાનું વાવેતર પકડયું

રૂ.૧૨ લાખથી વધુના ૨૪ છોડ સાથે એકને ઝડપી લેવાયો

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અજાવાસ ગામેથી સાબરકાંઠા એસઓજીએ તાજેતરમાં ડ્રોનના માધ્યમથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો હતો. જે અંતર્ગત ડ્રોન કેમેરાની મદદથી આ ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અંદાજે રૂ.૧૨,૬૫,૩૦૦ની કિંમતના ૨૫.૩૦૬ કિલોગ્રામ ગાંજાના ૨૪ છોડ જપ્ત કરીને એક જણાની ધરપકડ કરી હતી. એસઓજી સ્ટાફ અને નાર્કોટિક્સ સેલ વોચ તપાસમાં હતા.
આ અંગે એસઓજીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ અજાવાસ ગામના રાજેટા ફળામાં રહેતા હકમા લખાભાઈ ગમાર તેમના ઘરની આગળના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરી રહ્યા હતા અને છોડ કાપીને ખેતરમાં સૂકવી રહ્યા હતા. જોકે એસઓજીને સ્થળ પર સીધી તપાસ કરવી હિતાવહ ન હોવાથી, ડ્રોન મારફતે ખેતરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન સર્વે બાદ ખેતરમાં તપાસ કરતા અંદાજે ૨૫.૩૦૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ૨૪ નંગ ગાંજાના છોડનો કટિંગ કરેલ ડાળી સાથેનો ઉપરનો ભાગ વજન ૪.૫૭૦ કિલોગ્રામ, કિંમત રૂ.૨,૨૮,૫૦૦ અને ૨૪ નંગ ગાંજાના મૂળિયા સહિતના કટિંગ કરેલા લીલા ડાળીવાળા છોડનું વજન ૨૦.૭૩૬ કિલોગ્રામ, કિંમત રૂ.૧૦,૩૬,૮૦૦નો સમાવેશ થાય છે. ત્યારબાદ એસઓજીએ હકમા લખાભાઈ ગમાર વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!