ખેડબ્રહ્માના ધોળીવાવમાં ઘેટા ચરાવવા બાબતે ઝઘડો કરતાં બે વિરૂધ્ધ ફરીયાદ
ગાળો બોલી કુહાડીથી હુમલો કર્યાનો આક્ષેપ

જીગ્નેશ સોની હિંમતનગર
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ધોળીવાવની સીમમાં રવિવારે સાંજના સુમારે ઘેટા-બકરા ચરાવતા એક પરિવારના દંપત્તિને બે જણાએ અહીં કેમ ઘેટા-બકરા ચરાવો છો તેમ કહી ઝઘડો કરી લોખંડની કુહાડીથી હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે દેરોલ ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા જેપાભાઈ છત્રાભાઈ રબારીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ રવિવારે સાંજના સુમારે તેઓ તથા તેમના પત્નિ ચંપાબેન રબારી સાથે લાલાભાઈ કિકાજી રબારી અને હુરાજી કિકાજી રબારીએ આવી ચંપાબેનને કહયું હતું કે અહીં ઘેટા-બકરા કેમ ચરાવો છો તેમ કહી ચંપાબેન સાથે ગાળો બોલી ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ આ બંને જણાએ ચંપાબેનને મારી નાખવાના ઈરાદે લોખંડની કુહાડીથી ઘા મારી ઈજા પહોંચાડયા બાદ લાકડીથી મુઢ માર માર્યો હતો તથા જાનથી મારી નાખવાની ધમકી આપતાં જેપાભાઈ રબારીએ લાલાભાઈ રબારી અને હુરાજી રબારી વિરૂધ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.




