હિંમતનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વડીલો, યુવાનો તેમજ શહેરીજનો ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં જોડાયા હતા.

હિંમતનગરના શારદાકુંજ સોસાયટી પાસ આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનથી આ વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. શોભાયાત્રા ખેડ તસીયા રોડ, મહાવીરનગર ચાર રસ્તા અને ટાવર ચોક પરથી પસાર થઈ સિવિલ સર્કલ સુધી પહોંચી હતી. અંતે ડૉ. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા દરમિયાન “જય ભીમ”ના નારા ગુંજતા રહ્યા હતા અને બાબાસાહેબના જીવન તથા વિચારોને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રામધૂન સાથે ભાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

સ્થાનિક અગ્રણીઓએ બાબાસાહેબ આંબેડકરના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. સાથે જ યુવાનોને શિક્ષણમાં આગળ વધવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.




