ટોપ સ્ટોરીઝ

લગ્નના બહાને લાખોની લૂંટ : હિંમતનગરમાં લૂંટેરી દુલ્હન ગેંગ પકડાઈ, ભોગ બનનારને આગળ આવવા પોલીસની અપીલ

શીતલ ઠાકર,ગાંધીનગર

હિંમતનગરમાં લગ્નના બહાને યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થતાં સાબરકાંઠા જિલ્લામાં ચકચાર મચી છે. આ ગેંગ સામે વધુ બે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. પોલીસે અત્યાર સુધી નવ આરોપીઓની ગેંગમાંથી બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે જ્યારે બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

 

માહિતી મુજબ આ ગેંગ લગ્ન ઇચ્છુક યુવકોને પોતાની જાળમાં ફસાવી મેરેજ બ્યુરો મારફતે લગ્ન કરાવતી હતી. લગ્ન પછી ચારથી પાંચ દિવસમાં જ કોઈને કોઈ બહાનું બનાવી યુવકને છોડીને ભાગી જતી હતી અથવા તો ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી છૂટાછેડા લેવા દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ છૂટાછેડા લઈ ફરી અન્ય યુવક સાથે લગ્ન કરી ફરીથી આ જ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલી અર્બુદા નગર સોસાયટીમાં રહેતા મનોજભાઈ બાબુલાલ સોની અને તેમની પત્ની કવિતાબેન મનોજભાઈ સોની પોતાના ઘરે “દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો” નામથી મેરેજ બ્યુરો ચલાવતા હતા. તેઓ લગ્ન એજન્ટ તરીકે ઓળખ આપી પોતાના મરતીયાઓ મારફતે યુવકોને ફસાવી બોગસ લગ્ન કરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતા હતા.

હિંમતનગરના બી-ડિવિઝન પોલીસ મથકે આ ગેંગ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી કરી નવ પૈકી ચાર આરોપીની ધરપકડ કરી છે. ત્યારબાદ આ ગેંગના ભોગ બનેલા અન્ય લોકો આગળ આવતા હિંમતનગર બી-ડિવિઝન અને તલોદ પોલીસ મથકે વધુ બે ફરિયાદો નોંધાઈ છે. હાલ સુધીમાં ચાર જેટલા યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને હજુ કેટલા લોકો આ ગેંગના શિકાર બન્યા છે તેની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ દ્વારા ભોગ બનનાર લોકોને આગળ આવવા અપીલ કરવામાં આવી છે અને તેના માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેથી કોઈપણ ભોગ બનનાર વ્યક્તિ પોલીસનો સીધો સંપર્ક કરી શકે.સાથે સાથે હવે આ ગેંગના અન્ય સાગરિતો કોણ છે, આ ટોળકી બ્લેકમેલિંગ અથવા હનીટ્રેપ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હતી કે નહીં તે દિશામાં પણ સઘન તપાસ કરવાની માંગ ઉઠી છે.

જો આવી ગેંગો સામે સમયસર કડક કાર્યવાહી નહીં થાય તો વધુ લોકો આવા ઠગોના શિકાર બની શકે તેવી શક્યતા છે.આથી સમાજમાં જનજાગૃતિ લાવવા, ભોગ બનનાર લોકોને ન્યાય મળે અને આવા ઠગાઈના રેકેટનો સંપૂર્ણ ભાંડાફોડ થાય તે માટે જિલ્લા પોલીસવડા તેમજ હિંમતનગર બી-ડિવિઝન પોલીસ દ્વારા વધુ કડક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!