તલોદના રામપુરા કેન્દ્રની આંગણવાડી મહિલા કાર્યકરની આત્મવિલોપનની ચીમકીથી ખળભળાટ

ભારતસિહ રાઠોડ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મોહનપુરા ગામે આવેલ રામપુરા આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલા કાર્યકરે પોતાના જ વિભાગના સુપરવાઈઝર દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળી આત્મવિલોપનની ચીમકી આપતો વીડિયો વાયરલ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, સંબંધિત આંગણવાડી કાર્યકરે આરોપ મૂક્યો છે કે તેમના સેક્ટરના સુપરવાઈઝર દ્વારા સામાન્ય બાબતોમાં ઉગ્ર વલણ અપનાવી મીટિંગ દરમિયાન તેમજ દૈનિક કામગીરી દરમ્યાન અપમાનજનક અને અસન્માનજનક વર્તન કરવામાં આવે છે. વીડિયોમાં તેમણે જણાવ્યું છે કે મીટિંગમાં હાજરી આપતી વખતે વારંવાર માનસિક દબાણ અને તણાવનો સામનો કરવો પડે છે.
કાર્યકરનો આક્ષેપ છે કે સતત દબાણ અને અયોગ્ય વર્તનથી તેઓ માનસિક રીતે તૂટી ગયા છે. જો ન્યાય નહીં મળે તો અંતિમ પગલું ભરવાની ચીમકી પણ વીડિયોમાં આપવામાં આવી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તલોદ તાલુકા પંથકમાં ભારે ખળભળાટ મચ્યો છે.
હવે જોવાનું રહ્યું કે આંગણવાડી સંલગ્ન વિભાગ દ્વારા આ ગંભીર આક્ષેપોની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવશે કે નહીં અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ.


