આવાસ યોજનાના મકાનમાં ગાંજાનો જથ્થો ઝડપાયો, હિંમતનગરમાં એક આરોપી ઝડપાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગરમાં સરકારી આવાસ યોજનાના મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલ આવાસ યોજના બી બ્લોકમાં સ્થાનિક પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.હિંમતનગર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી દરમિયાન ઘરમાં સંતાડીને રાખેલા પ્લાસ્ટિકના બે થેલામાં ભરેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ઘરની તલાશી લેતા કુલ ૬ કિલો ૪૧૩ ગ્રામ વજનનો ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની અંદાજિત કિંમત રૂ. ૩,૨૦,૬૫૦ ગણાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મુદામાલ જપ્ત કર્યો છે.આ મામલે શંકર સલાટ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોશીના તાલુકાના સવાભાઈ અને ભરત નામના બે શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે. ત્રણેય આરોપીઓ સામે NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાથમિક તપાસ મુજબ ગાંજાનો જથ્થો ઘરમાં સંતાડી રાખવામાં આવ્યો હતો. હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.




