હિમતનગર

હિંમતનગરમાં ગૌ સન્માન યાત્રા, ૪.૭૪ લાખ સહીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર

હિંમતનગરમાં આજે સમસ્ત હિન્દૂ સનાતની સમાજના બેનર હેઠળ ગૌ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે જિલ્લા કલેક્ટરને ૪.૭૪ લાખ સહીઓ સાથેનું પ્રાર્થના પત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરેથી ગૌ સન્માન યાત્રા પ્રસ્થાન કરી હતી. યાત્રામાં વિવિધ હિન્દૂ સંગઠનો, સંપ્રદાયો, ગ્રામજનો, ખેડૂતો, પશુપાલકો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યાત્રાનું વિશેષ આકર્ષણ ગૌ માતાને સુશોભિત રથમાં બિરાજમાન રાખવામાં આવ્યું હતું. યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે પસાર થઈ એસપી કચેરી માર્ગે બહુમાળી ભવન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી.

અહીં સંતો-મહંતોના હસ્તે ગાયને રાષ્ટ્રમાતાનો સર્વોચ્ચ દરજ્જો આપવાની માંગ સાથે ૪.૭૪ લાખ સહીઓ ધરાવતું પ્રાર્થના પત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનો અને સંતોએ ગૌ માતાને રાષ્ટ્રમાતાનું સન્માન આપવાની સરકાર સમક્ષ માંગણી કરી હતી. સાથે જ આગામી ઓક્ટોબર મહિનામાં રાજ્ય કક્ષાએ ગૌ સન્માન યાત્રાનું આયોજન કરીને મુખ્યમંત્રીને પણ પ્રાર્થના પત્ર સુપરત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!