હિમતનગર

હિંમતનગરમાં ચાંદીપુરા જેવા લક્ષણોથી છ બાળકોના મોત, માત્ર એક સેમ્પલ પોઝિટિવ; અજાણ્યા વાયરસની દિશામાં તપાસ તેજ

સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા બાળકોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધી કુલ નવ બાળકો સારવાર માટે દાખલ થયા છે, જેમાંથી છ બાળકોના મોત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે તપાસ કરાયેલા આઠ સેમ્પલમાંથી માત્ર એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જ્યારે સાત સેમ્પલ નેગેટિવ નોંધાયા છે અને એક દર્દીનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. નેગેટિવ રિપોર્ટ હોવા છતાં બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગમાં ચિંતા વ્યાપી છે.

હાલ બે બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા હવે માત્ર ચાંદીપુરા વાયરસ જ નહીં પરંતુ ડેન્ગ્યુ, મેલેરિયા સહિત અન્ય સંભવિત વાયરસની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં ડેન્ગ્યુ, મેલેરિયા કે ચાંદીપુરા વાયરસની સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી.

હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગે તમામ સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર દર્દીઓમાં ચાંદીપુરા જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા હોવાથી તમામ સંભવિત કારણોની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં હાલ સારવારની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કેસોની સંખ્યા વધે તો તેને પહોંચી વળવા માટે પણ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચાંદીપુરાના મોટાભાગના સેમ્પલ નેગેટિવ હોવા છતાં બાળકોના મોત થતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સતર્ક બન્યું છે અને જીબીઆરસીના અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!