બજેટ જેવી અતિમહત્વની પ્રક્રિયાને રિસોર્ટ સુધી લઈ જવાના નિર્ણયે સવાલો

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નગર પાલિકાએ અપનાવેલી નવી પ્રણાલીએ શહેરમાં ચર્ચા અને વિવાદને જન્મ આપ્યો છે. પાલિકાના આગામી વર્ષના બજેટ માટેની સામાન્ય સભા હિંમતનગરથી અંદાજે ૩૫ કિલોમીટર દૂર આવેલા મોંઘાદાટ ખાનગી રિસોર્ટમાં યોજવાની તૈયારીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
શહેરમાં પાલિકા હોલ સહિત સરકારી અને જાહેર સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, જાહેર નાણાં અને જાહેર હિત સાથે સીધી રીતે જોડાયેલી બજેટ જેવી અતિમહત્વની પ્રક્રિયા માટે રિસોર્ટની પસંદગી કરવામાં આવવી કેટલાં અંશે યોગ્ય છે—તે મુદ્દે નગરજનોમાં અસંતોષ અને પ્રશ્નાર્થ ભાવ પ્રવર્તી રહ્યા છે. મળતી માહિતી મુજબ રિસોર્ટમાં એક દિવસના રોકાણનું ભાડું આશરે રૂ. ૨૮ હજાર પાંચસો જેટલું મોંઘું હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ પરિસ્થિતિમાં પાલિકાનું બજેટ મોંઘાદાટ ખાણીપીણી, વૈભવી વ્યવસ્થાઓ અને રોકાણ વચ્ચે રજૂ થવાનું હોવાની ટીકા થઈ રહી છે. નગરસેવકો સેવા અને વિકાસની ચર્ચા કરતાં કરતાં રિસોર્ટમાં મોંઘા મેવા અને ભોજનની વ્યવસ્થાનો લાભ લેવાના આક્ષેપો પણ ચર્ચામાં છે.
ડેસ્ટિનેશન વેડિંગ અને પાર્ટી ઢબની જેમ હવે “ડેસ્ટિનેશન બજેટ સભા”ની પ્રથા શરૂ થતી હોવાના આક્ષેપો સાથે હિંમતનગર નગર પાલિકાની આ હાઈપ્રોફાઈલ બજેટ બેઠક જાહેર હિત, સંયમ અને પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહી છે.
સૌથી મોટો સવાલ એ છે કે આ મોંઘાદાટ હાઈપ્રોફાઈલ બજેટ બેઠકનો ખર્ચ કોણ ઉઠાવશે? જો ખર્ચ પાલિકાના ભંડોળમાંથી થાય તો તે કરદાતાઓના નાણાંનો યોગ્ય ઉપયોગ ગણાય કે નહીં—તે અંગે સ્પષ્ટતા કરવાની માંગ હવે વધુ તેજ બની રહી છે.




