માલીવાડા ગ્રામ પંચાયતની પ્રાથમિક સમસ્યાઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર
તાલુકા પંચાયત સદસ્ય સાનિયા દિવાનના નેતૃત્વમાં રજૂઆત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો જોડાયા

તાલુકા પંચાયત સદસ્ય સાનિયા દિવાનના નેતૃત્વમાં રજૂઆત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો જોડાયા
હિંમતનગર તાલુકાના માલીવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાના મુદ્દે તાલુકા પંચાયત સદસ્ય સાનિયા દિવાનના નેતૃત્વમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં માલીવાડા, હુસેનાબાદ, હુસેની ચોક, રોશનીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ગટર વ્યવસ્થાનો અભાવ, ગંદુ પીવાનું પાણી, બંધ હાલતમાં સ્ટ્રીટ લાઈટો, ગટર લાઈનની અછત તેમજ ગામમાં ફેલાયેલી ગંદકી જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચોમાસા પૂર્વે ગટર સફાઈ, ફોગિંગ, દવાઓના છંટકાવ અને આરોગ્યલક્ષી કામગીરી તાત્કાલિક હાથ ધરવાની માંગ પણ કરવામાં આવી હતી.
કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો યથાવત રહેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમ નજીક આવી રહી હોવાથી આરોગ્ય અને સુરક્ષાના પ્રશ્નો વધુ ગંભીર બની શકે છે. તેથી તંત્ર દ્વારા ત્વરિત અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ આવેદનપત્રની નકલ જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને પણ મોકલવામાં આવી હતી.
આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજમલસિંહ પરમાર, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ, માઈનોરિટી ચેરમેન ટી.વી. પટેલ, તાલુકા માઈનોરિટી પ્રમુખ મોસીન બલોચ, ઈશાકભાઈ શેખ, નગરપાલિકાના કોર્પોરેટર રણછોડ પરમાર, હુસેન દિવાન સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




