હાજીપુર પાસે સાબરદાણ ફેક્ટરી સામે NH-48 પર સ્થાનિકોની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-48 પર હાજીપુર ગામ નજીક સાબરદાણ ફેક્ટરી સામે શુક્રવારે રાત્રે રોડ પર ચીકણો પદાર્થ ફેલાતા અકસ્માતની ભીતિ સર્જાઈ હતી. રોડ પરથી પસાર થતાં અનેક વાહનો સ્લીપ થતાં સ્થિતિ ગંભીર બની હતી. જોકે સ્થાનિક લોકોની સતર્કતા, 112 ઇમરજન્સી સેવાને કરાયેલી સમયસર જાણ તેમજ ફાયર વિભાગ અને પોલીસની ત્વરિત કામગીરીના કારણે સંભવિત મોટો અકસ્માત ટળી ગયો હતો.
મળતી માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી ચીકણો પ્રવાહી રોડ પર ઢોળાતા હાઇવેનો એક ભાગ લપસણો બની ગયો હતો. જેના કારણે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર સંપર્ક કરી પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. સાથે સાથે સ્થાનિકોએ વાહનચાલકોને સાવચેત રહેવા અને ધીમી ગતિએ વાહન ચલાવવા અપીલ કરી હતી.
કોલ મળતાની સાથે જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ મિની ટેન્કર સાથે સ્થળ પર પહોંચી હતી. સ્થિતિની ગંભીરતા જોતા વધુ એક ફાયર ફાઇટર પણ બોલાવવામાં આવ્યું હતું. ફાયર ઓફિસર મયંક પટેલના માર્ગદર્શન હેઠળ બંને ટીમોએ સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી હતી. અંદાજે સવા કલાક સુધી સતત કામગીરી કરીને રોડ પર 12 હજાર લીટર પાણીનો મારો ચલાવી ચીકણો પદાર્થ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર સફાઈ કરતી કોઈ ટેન્કરમાંથી આ ચીકણો પદાર્થ રોડ પર ઢોળાયો હોવાની શક્યતા છે. ચીકણા પદાર્થના કારણે અનેક વાહનો સ્લીપ થયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નોંધાઈ નહોતી.
સ્થાનિકોની સતર્કતા, 112 ઇમરજન્સી સેવાની ઝડપી કામગીરી તેમજ હિંમતનગર ફાયર વિભાગ અને પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે હાઇવે પર સર્જાઈ શકનારી મોટી દુર્ઘટના ટળી જતા વાહનચાલકો અને સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો.




