ઈડરના ગોલવાડામાં ડબ્બા ટ્રેડીંગ કરી રૂ.૧.૧૦ લાખની છેતરપીંડી કરતાં પાંચ વિરૂધ્ધ ફરીયાદ
એલસીબીએ બે જણાની અટકાત કરી

ખોટી ઓળખ આપીને શેરબજારમાં કમાણી કરવાની એપ ડાઉનલોડ કરાવી હતી
હિંમતનગર
ઈડર તાલુકાના ગોલવાડા ગામના એક રહીશને શેરબજારમાંથી કમાણી કરવાની લાલચ આપીને બે જણાએ મોબાઈલમાં શેરબજારને લગતી એપ ડાઉનલોડ કરાવી શેરની લે-વેચ કરીને આ પાંચ જણાએ અંદાજે રૂ.૧.૧૦ લાખની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા આક્ષેપ સાથેની ફરીયાદ એલસીબીએ શુક્રવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.આ અંગે એલસીબીના દેવરાજભાઈ ખીમજીભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગોલવાડાના અનિલજી રૂપસંગજી ઠાકોર, મુકેશ અરવિંદભાઈ પટેલ (રહે.કાંસા, તા.વિસનગર), આશિષ ચંદુજી ઠાકોર, સુરેશજી ઉર્ફે સંજયજીકુવરજી કોદરજી ઠાકોર તથા રામાજી ઠાકોર (ત્રણેય રહે.ગોલવાડા)એ એકબીજાના મેળાપીપણાથી શેરબજારમાં લે-વેચ કરવા માટે કોઈપણ પ્રકારનું લાયસન્સ મેળવ્યા વગર તેમણે પોતાના મોબાઈલમાં એન્જલ વેન નામની એપ્લીકેશન ચાલુ કરીને રોજબરોજ શેરની વધઘટના ભાવ જોતા હતા.

ત્યારબાદ આ પાંચ જણાએ ગ્રાહકોને ખોટી ઓળખ આપી વિશ્વાસવાસમાં લઈ શેરબજારમાંથી કમાણી કરવા માટે રોકાણ કરાવી ઠગાઈ કરવામાં આવતી હતી ત્યારબાદ કેટલાક લોકો ભોગ બનતા એલસીબીએ બાતમીને આધારે પાંચ પૈકી ગોલવાડાના અનિલજી રૂપસંગજી ઠાકોર, મુકેશ અરવિંદભાઈ પટેલ (રહે.કાંસા, તા.વિસનગર)ની અટકાયત કરીને તેમની પાસેથી રૂ.૧.૧૦ લાખના ત્રણ મોબાઈલ તથા રૂ.પ૩૦ રોકડ મળી અંદાજે રૂ.૧.૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો જયારે બાકીના ત્રણ જણાને શોધી કાઢવા માટે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.




