હિંમતનગરના ધારાસભ્યએ ખાનગી સુવિધા હોવા છતાં સિવિલમાં સારવાર પસંદ કરી આપી જવાબદારીની મિસાલ

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાની ધર્મપત્ની ગીતાબા ઝાલાને તાવની અસર થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ તબીબોની સતત દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે અને યોગ્ય સારવારને કારણે હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગીતાબા ઝાલાને અચાનક તાવ આવતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ અને સારવાર આપવામાં આવી રહી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ હોવાથી અહીં જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.
મહત્વની બાબત એ છે કે ધારાસભ્યો અને તેમના પરિવારને સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાની મફત સારવાર મેળવવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. તેમ છતાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ સુવિધાનો ઉપયોગ કર્યા વગર સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર પસંદ કરી છે.
આ નિર્ણય માત્ર વિશ્વાસ જ નહીં પરંતુ જાહેર નાણાં પ્રત્યેની જવાબદારીનો સંદેશ પણ આપે છે. કારણ કે આ રીતે ખાનગી સારવારનો ખર્ચ ટાળીને લોકોના ટેક્સના પૈસાની બચત પણ દર્શાવવામાં આવી છે.
આજના સમયમાં મોટા ભાગના લોકપ્રતિનિધિઓ ખાનગી સુવિધાઓ તરફ વધુ વળતા જોવા મળે છે, ત્યારે 182 ધારાસભ્યોમાં આ પ્રકારનો નિર્ણય બહુ ઓછા ઉદાહરણોમાં જોવા મળે છે, જે સમાજ માટે પ્રેરણાદાયક સંદેશ આપી રહ્યો છે.
હાલ પરિવારજનો હોસ્પિટલ ખાતે હાજર રહી તેમની તબિયત અંગે માહિતી મેળવી રહ્યા છે.




