હિંમતનગરમાં રૂ.૬૦ કરોડનું આધુનિક કોર્ટ ભવન તૈયાર
૧૬૦ રૂમ અને ૧૫૦થી વધુ વાહનો માટે પાર્કિંગ સુવિધા સાથે ટૂંક સમયમાં લોકાર્પણ શક્ય

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અંદાજે રૂ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આધુનિક બહુમાળી કોર્ટ ભવન હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ૧૬૦ રૂમની ક્ષમતા ધરાવતું આ વિશાળ કોર્ટ ભવન ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલમાં ભવનની સફાઈ, ફિનિશિંગ અને અન્ય જરૂરી કામગીરી પૂર્ણ જોરશોરથી ચાલી રહી છે.
હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર આવેલ ન્યાય મંદિર વિસ્તારમાં જૂની કોર્ટની જગ્યાએ વર્ષ ૨૦૨૪માં આ ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના ડીઈ એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે, હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે અને અંતિમ તૈયારીઓ ચાલી રહી છે.
આ નવીન કોર્ટ ભવન અંદાજે ૭,૫૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં કુલ ૧૩,૦૦૦ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં કુલ ૪ માળ છે અને દરેક માળે ૪૦ રૂમના હિસાબે કુલ ૧૬૦ રૂમ ઉપલબ્ધ રહેશે. અહીં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત વિવિધ અદાલતો કાર્યરત થશે.
અરજદારો, ન્યાયાધીશો અને સ્ટાફ માટે સુવિધાજનક વ્યવસ્થા રૂપે ગ્રાઉન્ડ ફ્લોર તથા બેઝમેન્ટમાં ૧૫૦થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત, આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ વિડિયો કોન્ફરન્સિંગ રૂમ અને વિશાળ સેમિનાર હોલ જેવી સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા હાલ ભવનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કામગીરીની ઝડપને જોતા નજીકના દિવસોમાં જ આ ભવનનું વિધિવત લોકાર્પણ થવાની શક્યતા છે. આ નવી કોર્ટ ભવન કાર્યરત થતાં સાબરકાંઠા જિલ્લાના ન્યાયિક વહીવટમાં નોંધપાત્ર ગતિ અને સુવિધાઓનો ઉમેરો થશે.




