સાબરકાંઠા LCB ને મોટી સફળતા: અકસ્માત અને સાપરાધ મનુષ્યવધના ગુનામાં ૫ વર્ષથી ફરાર આરોપી ગુરુગ્રામથી ઝડપાયો

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના અકસ્માત તથા સાપરાધ મનુષ્યવધના ગંભીર ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા અને પેરોલ-ફર્લો ફરારી આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.આર. ચૌહાણ અને એલ.સી.બી. સ્ટાફની એક ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મળી હતી કે, હિંમતનગર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૯૩/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૦૪, ૩૦૪(અ) વગેરે મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રેમપ્રકાશ બિંદીયાચલ પ્રસાદ પ્રજાપતિ (ઉં.વ. ૩૯, મૂળ રહે. શિવરાજપુર, જિ. દેવરીયા, ઉત્તરપ્રદેશ) છેલ્લા પાંચ વર્ષથી પકડવાનો બાકી હોય, તે હરિયાણાના ગુરુગ્રામ શહેરના સેક્ટર-૭૧ ખાતે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર નોકરી કરી રહ્યો છે.
બાતમીના આધારે એલ.સી.બી. ટીમે સ્થાનીક પોલીસની મદદ મેળવી ગુરુગ્રામના સેક્ટર-૭૧ ખાતે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડો પાડી આરોપી પ્રેમપ્રકાશ પ્રજાપતિને ઝડપી લીધો હતો. તેની કડક પૂછપરછ અને વેરિફિકેશન કરતાં તે જ આ ગુનાનો વંટોડ આરોપી હોવાનું નિશ્ચિત થયું હતું.
આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જી) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ: આ સફળ કામગીરી એલ.સી.બી. પી.આઈ. ડી.સી. સાકરીયા, પી.એસ.આઈ. વી.આર. ચૌહાણ, અ.હે.કો. જશુભાઇ બાબુભાઇ, આ.પો.કો. ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ, અ.પો.કો. રાકેશસિંહ જસવંતસિંહ અને આ.પો.કો. કિર્તિરાજસિંહ કિરીટસિંહ દ્વારા કરવામાં આવી હતી.




