હિંમતનગરમાં શ્રી કૃષ્ણ તત્ત્વદર્શી કથાનો ભવ્ય પ્રારંભ
શ્રી નીલમણી સરકારના શ્રીમુખેથી ભક્તિમય વાતાવરણમાં ઉમટી રહ્યા છે ભાવિકો

હિંમતનગર શહેરમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. વિશ્વના પંચમ મૂળ જગદગુરુ શ્રી કૃપાલુ જી મહારાજના પૌત્ર શ્રી નીલમણી સરકારના શ્રીમુખેથી “શ્રી કૃષ્ણ તત્ત્વદર્શી કથા”નું ભવ્ય આયોજન શરૂ થયું છે. તા. 18 મે થી 24 મે 2026 દરમિયાન યોજાનારી આ કથા દરરોજ સાંજે 07:45 થી 10:00 કલાક સુધી ભક્તિમય વાતાવરણ વચ્ચે યોજાઈ રહી છે.
આ કથાનું આયોજન હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ ઉમિયા માતાજી મંદિર સ્થિત સી.કે. પટેલ સમાજવાડી હોલ, મહાકાલી મંદિર રોડ ખાતે કરવામાં આવ્યું છે. કથાના પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી કથારસનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર પરિસરમાં ભજન-કીર્તન અને શ્રીકૃષ્ણના જયઘોષથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
કથાકાર શ્રી નીલમણી સરકારે પોતાના પ્રવચનમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, ગીતા ઉપદેશ, ભક્તિનું મહત્વ તેમજ માનવ જીવનમાં આધ્યાત્મિકતાની આવશ્યકતા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ, સકારાત્મક વિચારધારા અને સંસ્કારો જ માનવ જીવનને સાચી દિશા આપી શકે છે.
કથાસ્થળે વિશેષ સજાવટ સાથે ભાવિકોને અનુકૂળતા મળે તે માટે આયોજકો દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો કથામાં જોડાઈ રહ્યા છે. મહિલાઓ, યુવાનો અને વડીલો ઉત્સાહભેર હાજરી આપી રહ્યા છે.
આ સમગ્ર આયોજન દરમિયાન રોજ ભજન-કીર્તન, આરતી તેમજ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે. કથાના અંતિમ દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે.
આયોજક સમિતિએ શહેરના તમામ ધર્મપ્રેમી નાગરિકોને પરિવાર સાથે હાજર રહી “શ્રી કૃષ્ણ તત્ત્વદર્શી કથા”નો લાભ લેવા અપીલ કરી છે.





