કોંગ્રેસ શાસિત વડાલી પાલિકામાં ઉપપ્રમુખની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી રાજકીય ગરમાવો

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર અને વડાલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે મંગળવારે સામાન્ય સભા યોજાઈ હતી. હિંમતનગર અને ઈડર નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પક્ષના મેન્ડેટ મુજબ મતદાન કર્યું હતું, જ્યારે કોંગ્રેસ શાસિત વડાલી નગરપાલિકામાં ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના જ ચૂંટાયેલા સભ્યો દ્વારા પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન થતા રાજકીય માહોલ ગરમાયો છે.
મળતી માહિતી મુજબ વડાલી નગરપાલિકાની ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકોમાંથી કોંગ્રેસે ૨૦ બેઠકો મેળવી બહુમતી સાથે સત્તા સ્થાપી હતી. ત્યારબાદ સરકારના આદેશ મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી માટે મંગળવારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જોકે સામાન્ય સભાના પ્રથમ જ દિવસે કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલ્લેઆમ સામે આવ્યો હતો.
કોંગ્રેસ દ્વારા ઉપપ્રમુખ પદ માટે ઈમરાન મેમણને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસના ૧૪ ચૂંટાયેલા કોર્પોરેટરોએ પક્ષના મેન્ડેટને અવગણીને અયુબ નાગોરીના સમર્થનમાં મતદાન કર્યું હતું. પરિણામે અયુબ નાગોરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
આ ઘટનાએ જિલ્લા કોંગ્રેસમાં ભારે ચર્ચા જગાવી છે. પક્ષના સત્તાવાર નિર્ણય વિરુદ્ધ થયેલા મતદાનને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ વડાલી નગરપાલિકાના મતદારોમાં પણ આ ઘટનાને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે અને તેના રાજકીય પ્રત્યાઘાતો આગામી સમયમાં વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.



