લાપતા વૃદ્ધાની લાશ મળી આવતા ચકચાર

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસથી લાપતા રહેલી વૃદ્ધા હીરાબેન રાવળ (ઉંમર આશરે ૮૫ વર્ષ, રહે. ઈડર) નો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.માહિતી અનુસાર હીરાબેન 14 માર્ચના રોજ પોતાના પિયર વડાલીના વાડોઠ ગામે ભાઈઓના ઘરે ગયા હતા. ત્યારબાદ 16 માર્ચના રોજ માનસિક અસ્વસ્થતા ધરાવતા હીરાબેન વાડોઠથી ઈડર જવા નીકળ્યા હતા, પરંતુ તેઓ પોતાના ઘરે પહોંચ્યા નહોતા.

મોડી રાત સુધી વૃદ્ધા મળી ન આવતા પરિવારજનો દ્વારા 18 માર્ચના રોજ વડાલી પોલીસ મથકે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી.આજે બપોરના સમયે વડાલી-ખેડબ્રહ્મા હાઈવે પર આવેલા વાડોઠ પાટિયા નજીક રોડ સાઈડના ખાડામાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ 112 ઈમરજન્સી ટીમ અને વડાલી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.વૃદ્ધાનું મોત કયા કારણોસર થયું તે અંગે વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





