સ્વાર્થપ્રેરિત તત્વોથી પત્રકારિતાની પ્રતિષ્ઠા દાવ પર

લોકશાહીની ચોથી જાગીર ગણાતું મીડિયા આજે કેટલાક અણઘડ અને સ્વાર્થપ્રેરિત તત્વોના કારણે વિશ્વસનીયતાના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું હોવાની ચિંતા જાગૃત વર્ગોમાં વ્યક્ત થઈ રહી છે. પત્રકારિતાની કોઈ નૈતિક સમજ, તાલીમ કે જવાબદારી વગર માત્ર વ્યક્તિગત લાભ, દબાણ અને ઓળખાણ મેળવવાના હેતુથી કેટલાક લોકો મીડિયા ક્ષેત્રમાં પ્રવેશતા સમગ્ર પત્રકારત્વની છબી ખરડાઈ રહી હોવાનું માનવામાં આવે છે.
જાહેર જીવન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે પત્રકારત્વ માત્ર માઇક, કાર્ડ અથવા સોશિયલ મીડિયા સુધી મર્યાદિત નથી, પરંતુ સત્યને જવાબદારીપૂર્વક સમાજ સમક્ષ રજૂ કરવાની લોકહિતની સેવા છે. છતાં છેલ્લા કેટલાક સમયથી મીડિયા નામે અપ્રમાણિત માહિતી પ્રસારિત કરવી, વ્યક્તિગત સ્વાર્થ માટે દબાણ ઊભું કરવું અને બ્લેકમેલિંગ જેવી પ્રવૃત્તિઓ વધતી હોવાના આક્ષેપો વચ્ચે નિષ્ઠાપૂર્વક કાર્યરત પત્રકારોની પ્રતિષ્ઠા પર પણ અસર થઈ રહી છે.
બીજી તરફ આજે પણ અનેક જવાબદાર અને મેદાનમાં કાર્યરત પત્રકારો એવા છે, જે ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને સામાન્ય લોકોના પ્રશ્નોને નિર્ભયતાથી ઉજાગર કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આવા સાચા પત્રકારોના કારણે જ અનેક વખત તંત્ર હરકતમાં આવતું હોય છે અને સામાન્ય નાગરિકનો અવાજ સત્તા સુધી પહોંચે છે.
જાગૃત નાગરિકો અને સામાજિક વર્ગોએ માંગ કરી છે કે મીડિયા ક્ષેત્રની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે પત્રકારિતાની નૈતિકતા, જવાબદારી અને સત્ય આધારિત રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવે તેમજ મીડિયા નામે ગેરવર્તણૂક કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.



