ઇડર

ઇડરના ગણેશપુરા ગામે સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ અને વૈમનસ્ય મુદ્દે પ્રાંત અધિકારીશ્રી આવેદનપત્ર પાઠવાયું

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગણેશપુરા ગામે સોશિયલ મીડિયા પર ધાર્મિક સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો પ્રયાસ કરતી પોસ્ટ અને ટિપ્પણીઓ વાયરલ થવાના મામલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે ગામના રહીશો દ્વારા પ્રાંત અધિકારીશ્રી સાહેબને લેખિત આવેદનપત્ર પાઠવીને નિષ્પક્ષ તપાસ અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગણેશપુરા ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા મુસ્લિમ સમાજને લગતા મુદ્દાઓ અને હિન્દુ-મુસ્લિમ બાબતો અંગે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ તથા ટિપ્પણીઓ પ્રસારિત કરવામાં આવી છે. આ પ્રકારની ગતિવિધિઓથી ગામમાં રહેતા વિવિધ ધાર્મિક સમુદાયો વચ્ચે ગેરસમજ, તણાવ અને સામાજિક સૌહાર્દ જોખમાવવાની પૂરેપૂરી શક્યતા છે, જેને લઈને ગ્રામજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.

ગ્રામજનોની મુખ્ય માંગણીઓ:

ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબની સ્પષ્ટ માંગણીઓ કરવામાં આવી છે:

  • સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરી વાસ્તવિક હકીકતો જાહેર કરવામાં આવે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ, વીડિયો, ફોટોગ્રાફ્સ અને ડિજિટલ પુરાવાની ત્વરિત તપાસ થાય.

  • ધાર્મિક વૈમનસ્ય ફેલાવનાર, હિંસા માટે ઉશ્કેરનાર કે ધમકી આપનાર દોષિતો સામે કાયદાકીય જોગવાઈઓ હેઠળ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવે.

  • ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિનું વાતાવરણ ડહોળાય નહીં તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

  • જો કોઈ સંજેય ગુનો બનતો જણાય તો તાત્કાલિક ધોરણે એફ.આઈ.આર. (FIR) નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

આવેદનપત્ર આપતી વખતે ઉપસ્થિતિ:

આ પ્રસંગે ગણેશપુરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો અને અગ્રણીઓ ઇડર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ગણેશપુરા શીયા જાફરી મશાયખી મોમિન જમાતના સભ્યો અને અન્ય ગ્રામજનો દ્વારા આ મામલે યોગ્ય ન્યાય મળે અને ગામમાં કાયમી શાંતિ જળવાઈ રહે તેવી પ્રબળ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.આવેદનપત્ર સ્વીકારીને વહીવટી તંત્ર દ્વારા આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરી કડક પગલાં લેવામાં આવશે તેવી આશા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!