ટોપ સ્ટોરીઝ

સાબરકાંઠાના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

‘એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ’ના મંત્ર સાથે સાબરકાંઠા જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણનો પ્રારંભ

  • પ્રકૃતિ અને માનવજીવનના અતૂટ નાતાને જીવંત રાખવા વૃક્ષારોપણ સાથે જતન અનિવાર્ય: શિશપાલસિંહ રાજપૂત
  • વન મહોત્સવમાં જનભાગીદારી દ્વારા ગ્રીન સાબરકાંઠા બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલનું આહ્વાન
  • પર્યાવરણ રક્ષણ અને જળ સંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મયોગીઓ અને પંચાયતોનું વિશેષ બહુમાન

  • સાબરકાંઠા જિલ્લામાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રાંતિજ તાલુકાના વદરાડ સ્થિત ઉમિયાધામ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતે કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન, પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

    રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહ રાજપૂતે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે માનવજીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે, અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા જતન કરવું આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે વૃક્ષોને પર્યાવરણનું સંતુલન, જળસંચય, શુદ્ધ હવા અને માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. સાથે જ તેમણે નિયમિત યોગને પણ સ્વસ્થ જીવન માટે એટલું જ જરૂરી ગણાવતાં, દરેક વ્યક્તિને વૃક્ષ, પર્યાવરણ, જળ અને યોગને પોતાના જીવનમાં સ્થાન આપી સ્વસ્થ-સુખી સમાજના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

    જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલે “એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ”નો સંદેશ આપતાં જણાવ્યું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહેવો જોઈએ, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી પણ સૌએ સ્વીકારવી જોઈએ. દરેક પરિવાર જો અનેક વૃક્ષો વાવીને તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લો વધુ હરિયાળો બની શકે, તેમ તેમણે ઉમેર્યું હતું.

    હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલાએ પ્રાસંગિક પ્રવચનમાં વરસાદી પાણીના સંચય પર ભાર મૂક્યો હતો અને ભૂગર્ભ જળના પુનઃભરણ માટે વ્યવસ્થાઓ વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. વધતી ગરમી અને વૈશ્વિક ઉષ્ણતામાનની સમસ્યા સામે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણને તેમણે મહત્વપૂર્ણ ઉપાય ગણાવ્યો હતો.

    પ્રાંતિજના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે વૃક્ષો સાથે પ્રેમ અને પ્રકૃતિ સાથે નાતો કેળવવો એ સૌની સામૂહિક જવાબદારી છે, અને આજે પર્યાવરણનું જતન કરીશું તો જ આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન આપી શકાશે. તેમણે વૃક્ષારોપણની સાથે યોગને પણ દૈનિક જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી.

    સન્માન સમારોહ અને વૃક્ષારોપણ

    કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા વન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ, કર્મચારીઓ અને ગ્રામ પંચાયતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા ગ્રામ્ય સ્તરે થઈ રહેલી શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન અપાયું હતું.

    આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે “વૃક્ષ રથ”ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યોગના વિવિધ પ્રદર્શનો દ્વારા યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા અપીલ કરાઈ હતી, તેમજ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉમિયાધામના ટ્રસ્ટીઓએ સંસ્થા ખાતે ૫,૦૦૦ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો.

    ઉપસ્થિત મહાનુભાવો

    આ મહોત્સવમાં વરિષ્ઠ વન અધિકારી શ્રી સી.કે. સોનવણે, નાયબ વન સંરક્ષક શ્રી ડૉ. ડી.એફ. ગઢવી, નાયબ વન સંરક્ષક શ્રી પી.જે. ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી શ્રી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આસપાસની ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!