19 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ : માતા શક્તિની આરાધનાના નવ પવિત્ર દિવસ, જાણો આધ્યાત્મિક મહત્ત્વ

ભારતીય સંસ્કૃતિમાં માતા શક્તિની ઉપાસનાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ આ વર્ષે 19 માર્ચ 2026થી શરૂ થઈ રહી છે. નવ દિવસ સુધી ચાલતા આ પવિત્ર પર્વ દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે. દેવીભાગવત પુરાણમાં નવરાત્રિની ઉપાસનાને વિશેષ મહાત્મ્ય આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ આ નવ દિવસોમાં માતા શક્તિની ભક્તિપૂર્વક આરાધના કરવાથી ભક્તોના જીવનમાંથી દુઃખ, કષ્ટ અને અવરોધ દૂર થાય છે તેમજ સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો પોતાના ઘરો અને મંદિરોમાં કલશ અથવા ઘટ સ્થાપના કરે છે. આ ઘટ સ્થાપનાને માતા શક્તિના આગમનનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસથી નવ દિવસ સુધી ઉપવાસ, જપ, પાઠ, હવન, દુર્ગા સપ્તશતીના પાઠ તથા માતાજીના ભજન-કીર્તન દ્વારા આરાધના કરવામાં આવે છે. ઘણા ભક્તો દેવીભાગવતનું પઠન કરીને માતા શક્તિની કૃપા પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે.
દેવીભાગવત મુજબ માતા શક્તિ સમગ્ર સૃષ્ટિની આદિશક્તિ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ માતા શક્તિથી જ સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના કાર્ય કરી શકે છે. તેથી માતાજીની ઉપાસનાથી માનવ જીવનમાં આત્મબળ, ધૈર્ય, સંયમ અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે.
નવરાત્રિના નવ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને દરેક દિવસનું પોતાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે.
પ્રથમ દિવસ – માતા શૈલપુત્રી
નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી શૈલપુત્રી તરીકે ઓળખાય છે. તેમની આરાધનાથી જીવનમાં સ્થિરતા, શક્તિ અને નવી શરૂઆત કરવાની પ્રેરણા મળે છે.
બીજો દિવસ – માતા બ્રહ્મચારિણી
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તેઓ તપ, સંયમ અને સાધનાનું પ્રતિક છે. તેમની આરાધનાથી આત્મવિશ્વાસ, સહનશક્તિ અને ધૈર્ય વધે છે.
ત્રીજો દિવસ – માતા ચંદ્રઘંટા
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભે છે. તેમની પૂજાથી ભય અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે તથા શૌર્ય અને સાહસ પ્રાપ્ત થાય છે.
ચોથો દિવસ – માતા કુષ્માંડા
ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ બ્રહ્માંડની રચના માતા કુષ્માંડાએ કરી હતી. તેમની આરાધનાથી આરોગ્ય, તેજ અને સમૃદ્ધિ મળે છે.
પાંચમો દિવસ – માતા સ્કંદમાતા
પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેઓ ભગવાન કાર્તિકેયની માતા છે. તેમની ઉપાસનાથી સંતાન સુખ, માન-સન્માન અને સમૃદ્ધિ મળે છે.
છઠ્ઠો દિવસ – માતા કાત્યાયની
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. તેઓ દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર દેવી માનવામાં આવે છે. તેમની આરાધનાથી શક્તિ, પરાક્રમ અને ન્યાય માટે લડવાની પ્રેરણા મળે છે.
સાતમો દિવસ – માતા કાલરાત્રી
સાતમા દિવસે માતા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ અત્યંત શક્તિશાળી અને રક્ષક માનવામાં આવે છે. તેમની આરાધનાથી ભય, દુષ્ટ શક્તિઓ અને અશુભ પ્રભાવ દૂર થાય છે.
આઠમો દિવસ – માતા મહાગૌરી
આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. તેઓ પવિત્રતા, શાંતિ અને કરુણાનું પ્રતિક છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
નવમો દિવસ – માતા સિદ્ધિદાત્રી
નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તેઓ ભક્તોને તમામ સિદ્ધિઓ અને સફળતાનો આશીર્વાદ આપે છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ દર્શાવે છે.
નવરાત્રિના આઠમા અથવા નવમા દિવસે કન્યા પૂજન કરવાની પરંપરા પણ પ્રાચીન સમયથી ચાલી આવી છે. નાની કન્યાઓને માતા દુર્ગાનું સ્વરૂપ માની તેમની પૂજા કરવામાં આવે છે અને તેમને ભોજન તથા પ્રસાદ અપાય છે. આ પરંપરા માતા શક્તિ પ્રત્યેની શ્રદ્ધા અને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિ વસંત ઋતુમાં આવતી હોવાથી તેને નવા પ્રારંભ, નવી ઉર્જા અને આધ્યાત્મિક ચેતનાનો પર્વ પણ માનવામાં આવે છે. આ સમય મન, વાણી અને કર્મને શુદ્ધ કરવાનો તથા જીવનમાં સકારાત્મકતા લાવવાનો ઉત્તમ અવસર ગણાય છે.
નવ દિવસની આરાધના બાદ 27 માર્ચે રામનવમીના પવિત્ર તહેવાર સાથે ચૈત્રી નવરાત્રિનો સમાપન થાય છે. આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ રીતે ચૈત્રી નવરાત્રિ ભક્તિ, શક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો મહોત્સવ બની સમગ્ર સમાજને સકારાત્મકતા અને નવી પ્રેરણા આપે છે.




