શાળા કર્મચારી સંઘે પડતર પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરી
માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી અપાઈ

જીગ્નેશ સોની હિંમતનગર
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિએ તાજેતરમાં મુખ્યમંત્રીને પડતર પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી સમિતિએ ચેતવણી આપી છે કે જો અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારી સંઘ કાર્યરત છે, જે રાજ્યના શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત કરી છે.આ રજૂઆતમાં શિક્ષકો અને શાળાઓ સંબંધિત કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં લેવાયેલા નિર્ણયોનો અમલ ન થવાને કારણે તથા અધિકારીઓના ખોટા અર્થઘટનને લીધે અનેક પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા છે. આ સંદર્ભે ૧૧ પ્રશ્નોની યાદી સાથે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે. તેમની મુખ્ય માંગણીઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય તથા જૂના શિક્ષક તરીકે શાળા બદલનાર શિક્ષકોને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સેવા જોડાણના નામે આજ દિન સુધી ઓપીએસનો લાભ ન મળવાનો મુદ્દો, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આશરે ૧૭૦૦ થી વધુ ક્લાર્ક અને ૨૦૦૦ થી વધુ સેવકની જગ્યાઓ ખાલી છે. કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કરાર આધારિત સહાયક એકાઉન્ટ સેવક વર્ષ ૨૦૨૬ માં શરૂ થતા શૈક્ષણિક સત્ર પહેલા આપવામાં આવે તેવી માંગ છે.ઉપરાંત નિવૃત્તિ વિષયક લાભોમાં સરકાર દ્વારા એનપીએસ કે ઓપીએસ વાળા કર્મચારીઓ વચ્ચે ભેદભાવભરી નીતિ ન રાખવામાં આવે તેવી પણ માંગણી છે. આ સંદર્ભે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારી સંઘના સમિતિના પ્રમુખ ભાનુભાઈ એ પટેલે જણાવ્યું કે અમે અવાર-નવાર સરકાર સમક્ષ રજૂઆતો કરી છે પરંતુ અમારી રજૂઆતો આજ દિવસ સુધી ધ્યાને લેવાઈ નથી જેને કારણે તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં અમારા પડતર પ્રશ્નો અંગે લેખિત રજૂઆત કરી છે આગામી જુન ૨૦૨૬ માં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલો જો નિર્ણય નહીં લેવામાં આવે તો ન છૂટકે અમને ગાંધીજી માર્ગે સત્યાગ્રહ પર જવાની ફરજ પડશે.




