સાબરકાંઠાની શાળાઓમાં ગરમી ના કારણે ઉનાળું વેકેશન પડે તે પહેલા સવારનો સમય રાખવા માંગ
શૈક્ષિક મહાસંઘે શિક્ષણમંત્રીને રજૂઆત કરી

જીગ્નેશ સોની હિંમતનગર
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના અધ્યક્ષ મીતેશભાઇ ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર પટેલે તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે કે ઉનાળામાં પડી રહેલ ગરમીને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા સહિત રાજયની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા બાળકોને આરોગ્યના હિતખાતર ઉનાળુ વેકેશન પડે ત્યાં સુધી શાળાઓનો સમય સવારનો રાખવો જોઈએ.
શૈક્ષિક મહાસંઘના અગ્રણીઓના જણાવાયા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી સાબરકાંઠા સહિત ગુજરાતમાં અન્ય સ્થળે ગરમીનો પારો ઉંચે જઈ રહયો છે જેના લીધે કેટલેક ઠેકાણે યલો એલર્ટ અપાયું છે. સતત પડી રહેલી ગરમીને કારણે બપોર થતાની સાથે જ જાહેર રસ્તાઓ સુમસામ બની જાય છે. જેની મહાસંઘે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારનો કરવા વિનંતી કરી છે. સતત પડી રહેલ ગરમીની સ્થિતિમાં વિદ્યાર્થીઓને લૂ લાગવાની અને બિમાર પડવાની શક્યતા વધી જાય છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરી અને શૈક્ષણિક કાર્ય પર પણ નકારાત્મક અસર જોવા મળે છે.જેથી હિટવેવની અસરોથી બાળકોને બચાવવા માટે શાળાઓના સમયમાં સત્વરે ફેરફાર કરવો જોઈએ.




