સાબરકાંઠા
કતપુર ટોલ પ્લાઝા નજીક અગરબત્તીની ફેક્ટરીમાં આગ, ફાયર ટીમે સમયસર કાબૂ મેળવ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં કતપુર ટોલ પ્લાઝા નજીક આવેલી અગરબત્તી બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ફેક્ટરી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં ગેસ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગને કારણે ફેક્ટરીમાં રાખેલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે સમયસર ફાયર ટીમ પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
ઘટનાને લઈ પ્રાંતિજ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.




