
શીતલ ઠાકર,ગાંધીનગર
– હિંમતનગર તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી
– પોષણ ટ્રેકર એપ વારંવાર બંધ પડતી હોવાની ફરિયાદ
– માંગણીઓ નહીં સંતોષાય તો ૫ માર્ચથી ઓનલાઈન બહિષ્કારની ચીમકી
આંગણવાડી કાર્યકરોએ વધતા કામના ભારણ સામે અવાજ ઉઠાવ્યો છે. પોષણ ટ્રેકર એપની સમસ્યા અને બિનઉપયોગી મોબાઈલ મુદ્દે તેમણે રજૂઆત કરી છે. હિંમતનગર ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા કામનું વધતું ભારણ ઘટાડવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લાના આંગણવાડી કાર્યકરોએ હિંમતનગર તાલુકા પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોનો આક્ષેપ છે કે તેમને મળતા વેતન કરતાં ઘણું વધુ કામ લેવાઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં સરકારે ઓનલાઈન કામગીરી માટે મોબાઈલ ફોન આપ્યા હતા, પરંતુ સતત ઉપયોગને કારણે હાલ ઘણા મોબાઈલ બિનઉપયોગી બની ગયા છે. પોષણ ટ્રેકર એપમાં રોજબરોજ અનેક વિગતો દાખલ કરવી પડે છે, પરંતુ એપ્લિકેશન વારંવાર બંધ પડી જતી હોવાથી અથવા યોગ્ય રીતે કાર્ય ન કરતી હોવાથી માહિતી દાખલ કરવામાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. પરિણામે ગણતરીઓ પણ ચોક્કસ રીતે થતી નથી. વધારાની કામગીરીનું ભારણ ઘટાડવા કાર્યકરોએ તાજેતરમાં સીડિપીઓને લેખિત રજૂઆત કરી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તા. ૫ માર્ચથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.





