સાબરકાંઠા

સાબરકાંઠાના વધુ ૬ આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સનું પ્રમાણપત્ર મળ્યું

સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. જિલ્લાના રાજ્પુર, મૌછા, પેઢમાલા, મોયદ-બ, ઉંચીધનાલ અને ભાંભુડી સહિત કુલ ૬ આયુષ્માન આરોગ્ય કેન્દ્રોને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અપાતું પ્રતિષ્ઠિત નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, સ્ટાફની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, રેકોર્ડ મેનેજમેન્ટ તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા વિવિધ કડક માપદંડોના ગહન મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે. આ તમામ આરોગ્ય કેન્દ્રોએ ઉત્તમ કામગીરી દર્શાવી આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાનો નવો ધોરણ સ્થાપિત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ તાલુકાના મૌછા આયુષ્માન આરોગ્ય મંદિરે વર્ચુઅલ અને ફિઝિકલ એસેસમેન્ટમાં રેકોર્ડબ્રેક ૯૮.૮૪ ટકા સ્કોર મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ નવી સિદ્ધિ સાથે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૨૪ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ મળી ચૂક્યા છે, જેમાં ૯૫ આયુષ્માન આરોગ્ય મંદિર, ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ૧ અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે.

નેશનલ ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થવું માત્ર વહીવટી સિદ્ધિ નથી, પરંતુ “દર્દી સેવા એ જ પરમ ધર્મ”ના મૂલ્યને સાકાર કરતી ક્ષણ છે. રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર સમયબદ્ધ સેવા, દર્દી સુરક્ષા તેમજ દરેક નાગરિકને સન્માન, સંવેદના અને વિશ્વાસ સાથે સારવાર આપવાનો અભિગમ જાળવવામાં આવે છે. આ સિદ્ધિ આરોગ્ય કર્મચારીઓની નિષ્ઠા, તબીબી કૌશલ્ય, માનવતાભર્યા વલણ અને અવિરત પરિશ્રમનું પરિણામ હોવાનું માનવામાં આવે છે.

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આગામી વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન વધુ ૫૨ આરોગ્ય સંસ્થાઓને નેશનલ ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થાય તે માટેનું સુદ્રઢ આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતાના અવસરે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય તંત્રની ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!