સાબરકાંઠામાં વસ્તી ગણતરીની તાલીમ શરૂ
૧૬ સ્થળે ૨૬૬૯ ગણતરીદાર-સુપરવાઈઝરને ૨૦ મે સુધી તાલીમ અપાશે

સાબરકાંઠામાં વસ્તી ગણતરીની તાલીમ શરૂ
૧૬ સ્થળે ૨૬૬૯ ગણતરીદાર-સુપરવાઈઝરને ૨૦ મે સુધી તાલીમ અપાશે
હિંમતનગર
સાબરકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થવાની છે તે પુર્વે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરિવારો પાસેથી જરૂરી માહિતી કેવી રીતે મેળવવી અને સરકારને કેવી રીતે મોકલી શકાય તે માટે સાબરકાંઠાના ૧૬ સ્થળે અંદાજે ર૬૬૯ ગણતરીદાર અને સુપરવાઈઝરને તાલીમ આપવામાં આવી રહી છે. જે તાલીમ ૧૧ મેથી શરૂ થઈને ૨૦ મે સુધી ચાલશે, જેનો સમય સવારે ૯ઃ૩૦થી સાંજના ૫ઃ૩૦ સુધીનો છે.
ત્યારબાદ તાલીમબધ્ધ કર્મચારીઓ આગામી ૧ જૂનથી ૩૦ જૂન દરમિયાન યોજાનારી વસ્તી ગણતરીની કામગીરી કરશે. જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર કામગીરીમાં સક્રિયપણે જોડાયા છે. હિંમતનગરમાં ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલમાં ૧૧ મે થી તાલીમ શરૂ થઈ છે, જે ૨૦ મેના રોજ પૂર્ણ થશે. અહીં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના ૭૧૫ ગણતરીદાર અને સુપરવાઈઝરને તાલીમ અપાશે. આ તાલીમ ત્રણ તબક્કામાં વહેંચાયેલી છે. ૧૧-૧૩ મે દરમિયાન ૩૦૦ કર્મચારી, ૧૪-૧૬ મે દરમિયાન અન્ય ૩૦૦ કર્મચારી, અને ૧૭-૧૯ મે દરમિયાન બાકીના ૧૧૫ કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે. વસ્તી ગણતરીની આ તાલીમમાં ૧૪ ટેકનિકલ આસિસ્ટન્ટ (અને ૨ જિલ્લા સ્તરના), ૧૪ સેન્સસ ચાર્જ ઓફિસર, ૧૪ સેન્સસ ક્લાર્ક, ૨ જિલ્લા અધિકારી (કલેક્ટર અને આરએસી), ૧૪ નાયબ મામલતદાર, ૨૨૯૦ ગણતરીદાર, ૩૭૯ સુપરવાઈઝર અને ૧ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (જિલ્લા સ્તર) સહિત ૨૬૬૯ કર્મચારીઓને સામેલ કરાયા છે.
તાલુકા મથકોએ તાલીમ સ્થળો જોઈએ તો પોશીના (સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ), ખેડબ્રહ્મા રૂરલ (શેઠ કેપી હાઈસ્કૂલ), વિજયનગર (આર્ટસ કોલેજ), વડાલી રૂરલ (શેઠ પીકે શાહ હાઈસ્કૂલ), ઈડર રૂરલ (લાલોડા સાયન્સ કોલેજ), હિંમતનગર રૂરલ (હિંમત હાઈસ્કૂલ), પ્રાંતિજ રૂરલ (ક્તપુર ટોલનાકા પાસે હોટલ ચંદનઈન), તલોદ રૂરલ (મહીયલ પ્રાથમિક સ્કૂલ). શહેરી વિસ્તારો માટેઃ ખેડબ્રહ્મા શહેર (શેઠ કેટી હાઈસ્કૂલ), વડાલી શહેર (શેઠ સી.જે.હાઈસ્કૂલ), ઈડર (સર પ્રતાપ હાઈસ્કૂલ પાછળ), હિંમતનગર શહેર (હિંમત હાઈસ્કૂલ), પ્રાંતિજ શહેર (વી.એસ.રાવલ કોલેજ રેલવે સ્ટેશન) અને તલોદ શહેર (નગરપાલિકા તલોદ)નો સમાવેશ થાય છે.




