સાબરકાંઠા

સાબરકાંઠામાં ગૌરીવ્રતનો પ્રારંભ: કુવારીકાઓએ પીપળા અને જવારાનું પૂજન કરી સુખી દાંપત્ય માટે કરી પ્રાર્થના

હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં શનિવારથી ગૌરીવ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો હતો. વ્રતના પ્રથમ દિવસે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી ૫ થી ૧૨ વર્ષની કુવારીકાઓએ મંદિરો, પોતાના ઘરો તેમજ પીપળાના વૃક્ષ નીચે જવારાનું સ્થાપન કરી વિધિવત પૂજન-અર્ચન કર્યું હતું. અનેક સ્થળોએ દીકરીઓએ ગોરમાની આરાધના સાથે આરતી ઉતારી અને ઉત્તમ જીવનસાથી તેમજ પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં નાની કન્યાઓ પીપળાના વૃક્ષ નીચે એકત્રિત થઈ હતી. અહીં કન્યાઓએ પરંપરાગત રીત-રિવાજ મુજબ જવારાનું સ્થાપન કરી ગૌરીમાતાની આરાધના કરી હતી. મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાયો હતો અને વાલીઓ પણ દીકરીઓ સાથે પૂજામાં જોડાયા હતા.

ગૌરીવ્રત માતા પાર્વતીને સમર્પિત પવિત્ર વ્રત છે. ગુજરાતમાં આ વ્રતનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ કુવારી કન્યાઓ ઉત્તમ વરની પ્રાપ્તિ, સુખી દાંપત્ય જીવન તેમજ પરિવારની સુખ-શાંતિ માટે આ વ્રત કરે છે. સાથે જ નાનપણથી જ ધૈર્ય, સંયમ, ધાર્મિક સંસ્કારો અને ઉપવાસની ભાવના વિકસે તેવો પણ આ વ્રતનો મુખ્ય હેતુ માનવામાં આવે છે.

વ્રતના પ્રથમ દિવસે વાંસની ટોપલીમાં સાત પ્રકારના ધાન્ય વાવી જવારાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આગામી પાંચ દિવસ સુધી વ્રતધારી કન્યાઓ દરરોજ સવારે દીપ-ધૂપ, પંચામૃત અને રૂના નાગલા અર્પણ કરી ગૌરીમાતાનું પૂજન કરશે. સાથે ભગવાન સૂર્યનારાયણની વિશેષ આરાધના પણ કરવામાં આવશે.

વ્રત દરમિયાન કન્યાઓ મીઠા વગરનો મોળો આહાર (અલૂણાં) અથવા ફળાહાર કરીને એકટાણું રાખશે. ૨૯ જુલાઈએ પૂનમની રાત્રે જાગરણ કરવામાં આવશે અને ૩૦ જુલાઈના રોજ સવારે જવારાનું નદી, તળાવ અથવા કૂવામાં વિસર્જન કરી પૂજારીને દાન-દક્ષિણા અર્પણ કરીને ગૌરીવ્રતનું પારણું કરવામાં આવશે.

પૌરાણિક માન્યતા મુજબ વામન બ્રાહ્મણ અને સત્યાએ આ વ્રતના પુણ્યપ્રભાવથી ભગવાન શિવ-પાર્વતીની કૃપાથી સંતાનસુખ પ્રાપ્ત કર્યું હતું. તેથી ગૌરીવ્રતને માત્ર ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!