હિમતનગર

સાબરકાંઠા જિલ્લામાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શીતળા સાતમની ઉજવણી

ચૂલો ઠારી મહિલાઓએ પરિવારની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે શીતળા માતાની પૂજા-અર્ચના કરી

સાબરકાંઠા જિલ્લાભરમાં આજે પવિત્ર શીતળા સાતમની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ધાર્મિક સ્થળોએ વહેલી સવારથી જ ભક્તોની, ખાસ કરીને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલા પ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે શીતળા સાતમના પાવન પર્વે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. મહિલાઓએ પરંપરાગત રીતે સવારે ચૂલો ઠારીને શીતળા માતાજી તેમજ બળિયાદેવની પૂજા-અર્ચના કરી હતી અને પોતાના પરિવારના સુખ, શાંતિ તથા આરોગ્ય માટે દર્શન કરી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે લાઈન અને પીવાના પાણી સહિતની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ ઉપરાંત, હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિરમાં પણ શીતળા સાતમ અને જન્માષ્ટમી પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શીતળા માતા અને બળિયાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઠંડા ભોજનની પરંપરા જાળવાઈ

સનાતન પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી. મહિલાઓએ અગાઉથી (રાધન છઠ્ઠના દિવસે) બનાવેલું ઠંડું ભોજન આરોગીને આ પ્રાચીન પરંપરા શ્રદ્ધાપૂર્વક જાળવી રાખી હતી. દિવસભર વિવિધ મંદિરોમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.

આ પર્વની ઉજવણી અંગે સ્થાનિક શ્રદ્ધાળુ નીલમબેન જોશી, મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણસિંહ વિહોલ તથા મંદિરના પૂજારી હેમંતભાઈ દવેએ વિસ્તારપૂર્વક માહિતી આપતા તમામ ભક્તોને શીતળા સાતમની શુભકામનાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!