ઇડર

ઈડરના મોહનપુરામાં સરકારી જમીન પરથી દબાણ હટાવવા મુદ્દે વિવાદ: ઝઘડામાં બે ઈજાગ્રસ્ત, દશામાની મૂર્તિ ખસેડાતા મામલો ગરમાયો

ઈડરમાં ભાદરવી પૂનમે અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે વિસામો શરૂ કરવાના હેતુથી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરીના બીજા દિવસે બુધવારે મોહનપુરાની સીમમાં આવેલ સરકારી જમીન પરથી મામલતદારે ઝૂંપડાં દૂર કરાવતા વિવાદ સર્જાયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોહનપુરાની સીમમાં આવેલ સરકારી જમીન (સર્વે નંબર ૫૪૭) પર વિસામો ઊભો કરવા માટે મામલતદાર પૂજાબેન જોશીની આગેવાનીમાં અને પોલીસ બંદોબસ્ત સાથે મંગળવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકો ઝૂંપડાં બનાવીને રહેતા હતા અને ગ્રામ પંચાયતમાં વેરો પણ ચૂકવતા હતા.

કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોએ એકત્ર થઈને ઝૂંપડાં ખાલી કરવા માટે બે દિવસની મોહલત માંગી હતી. જોકે, ઉચ્ચ કક્ષાના આદેશના પગલે કામગીરી ચાલુ રખાઈ હતી. છાપરા પરથી પોતાનો સામાન દૂર કરી રહેલા વિક્રમ રાજુભાઈ ભરથરી અને કમલેશ કાંતિભાઈ ભરથરી નામના બે યુવકો અચાનક નીચે પટકાયા હતા. ઈજાગ્રસ્ત થયેલા બંને યુવકોને તુરંત સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દશામાની મૂર્તિ ખસેડાતા વિરોધ

દબાણ વાળી જગ્યા પર દશામાનું મંદિર આવેલું હોવાથી તેને દૂર કરવું જરૂરી બન્યું હતું. મામલતદારે આદરપૂર્વક નમન કરીને દશામાની મૂર્તિને સરકારી વાહનમાં મૂકીને ખસેડતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો અને મામલો વધુ ગરમાયો હતો.

મામલતદારનો સ્પષ્ટવ્યસ્ત

આ મામલે મામલતદાર પૂજા જોષીએ જણાવ્યું હતું કે, “વર્ષ ૧૯૯૬થી આ જમીન ભાદરવી પૂનમના પદયાત્રીઓના વિસામા માટે ફાળવાયેલી છે. દબાણદારોને આ જગ્યા ખાલી કરવા માટે અગાઉ વારંવાર નોટિસો આપવામાં આવી હતી. ૨૦ જુલાઈ અને ૫ ઓગસ્ટના રોજ પણ નોટિસો આપીને સ્થળની માપણી કરાઈ હતી અને હદના ખૂંટા મારવામાં આવ્યા હતા. આમ છતાં જગ્યા ખાલી ન કરાતા અંતે જેસીબીની મદદથી કાયદેસરની દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!