ઇડરના જાદરમાં પ્રાચીન મુધણેશ્વર મહાદેવના ત્રિદિવસીય મેળાનો ભવ્ય પ્રારંભ: દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલા ઐતિહાસિક અને આસ્થાના ધામ એવા જાદર ગામના પ્રાચીન મુધણેશ્વર મહાદેવ મંદિરે ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રિદિવસીય મેળો શ્રદ્ધા અને ઉલ્લાસભેર શરૂ થયો છે. ભાદરવો મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે મંદિર પરિસર શિવભક્તિ અને ધાર્મિક ઉત્સાહથી ગૂંજી ઊઠ્યું છે. ભક્તોની સુવિધા માટે સ્પેશિયલ મેમુ ટ્રેન શરૂ કરવામાં આવતાં દર્શનાર્થીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વહેલી સવારથી લાઈનો અને શ્રીફળ વધેરી માનતા પૂરી કરતા શ્રદ્ધાળુઓ
મેળાના પ્રથમ દિવસથી જ સ્થાનિક આસપાસના ગ્રામજનો ઉપરાંત દૂર-દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન મુધણેશ્વર મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શિવજી સમક્ષ શ્રીફળ વધેરીને પોતાની માનતા પૂરી કરી હતી. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા દર્શન, પૂજા તથા પ્રસાદીની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્વયંભૂ શિવલિંગ અને સર્પદંશના ઝેર મુક્તિની લોકવાયકા
સ્થાનિક લોકોની દ્રઢ માન્યતા મુજબ, મુધણેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. અહીં સાચા મનથી કરવામાં આવતી પ્રાર્થના અને પૂજાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી પણ લોકવાયકા પ્રચલિત છે કે સર્પદંશ પામેલી વ્યક્તિને મુધણેશ્વર મહાદેવ મંદિરે લાવવામાં આવે તો તેનું ઝેર પણ ઉતરી જાય છે. જૂના ઇતિહાસ અને પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું આ સ્થાનક વર્ષોથી લોકસંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
ગામ પંચાયત અને ગ્રામજનોનો સહયોગ
ત્રણ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય મેળા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને અલ્ટીમેટ દિવસે વિશેષ ધાર્મિક વિધિઓ સાથે મેળાની પૂર્ણાહુતિ થશે. આ ત્રિદિવસીય ઉત્સવને સફળ બનાવવા માટે જાદર પંચાયતના સરપંચ અંજનાબેન બારૈયા, પંચાયતના સભ્યો, તલાટી-કમ-મંત્રી છાયાબેન પટેલ તથા સમગ્ર ગ્રામજનો ભારે જહમત ઉઠાવી રહ્યા છે.





