નિયમોના રખેવાળ જ નિયમોના ભંગકર્તા બન્યા ?
ટાઉન પ્લાનીંગ ચેરમેનના મકાનમાં માર્જિનમાં ગેરકાયદે બાંધકામ મામલે નોટીસ

હડિયોલ પુલ છાપરીયા વિસ્તારમાં રૂમો બનાવી ભાડે આપ્યાની ચર્ચા
બાંધકામના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સંભાળતા પાલિકાના ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન જ હવે ગેરકાયદે બાંધકામ મામલે સવાલોના ઘેરામાં આવ્યા છે. હડિયોલ પુલ નજીક છાપરીયા વિસ્તારમાં આવેલ તેમના મકાનમાં માર્જિનની જગ્યામાં ગેરરીતિથી રૂમો ઉભા કરાયા હોવાની વિગતો સામે આવતા પાલિકાના ચીફ ઓફિસરે સાત દિવસની નોટીસ ફટકારી છે. સમગ્ર મામલે શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની સહીથી તા.૮ જૂનના રોજ આપવામાં આવેલી નોટીસ મુજબ ટાઉન પ્લાનીંગ કમિટીના ચેરમેન ગોપાલ પ્રજાપતિએ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ હેઠળની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને માર્જિનની જગ્યામાં બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. મંજૂર નકશાની શરતોનો ભંગ કરીને ભોયતળિયે રૂમો ઉભા કરાયા હોવાનું નોટીસમાં ઉલ્લેખ કરાયો છે.
નોટીસ મુજબ હડિયોલ પુલ છાપરીયા વિસ્તારમાં આવેલ મિલ્કત નં.૧૧/૮૮૫-૮૫૯/૧, રેવન્યુ સર્વે નં.૫૦ના ભાગરૂપે આવેલા પ્લોટ નં.૧૪માં ભોયતળિયા તેમજ પ્રથમ માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં માર્જિનની જગ્યામાં કરવામાં આવેલા બાંધકામને ગેરકાયદે ગણાવવામાં આવ્યું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પાંચથી વધુ ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવ્યા છે.
પાલિકાએ નોટીસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જો માર્જિનમાં બાંધકામ માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી હોય તો તેના પુરાવા સાત દિવસમાં રજુ કરવા રહેશે. જો તેમ નહીં કરવામાં આવે તો ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ ગેરકાયદે મિલ્કતનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.
સમગ્ર ઘટનાને લઈને હવે શહેરમાં એવી ચર્ચા ચાલી રહી છે કે સામાન્ય નાગરિકો સામે નિયમોના કડક અમલ કરતી પાલિકા પોતાના જ હોદ્દેદારો સામે કેટલા અસરકારક પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.





