કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું વિવાદાસ્પદ નિવેદન: PM મોદી ને આતંકવાદી કહ્યા

શીતલ ઠાકર,ગાંધીનગર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા છેલ્લા કેટલાક સમયમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. અગાઉ ગુજરાતીઓ અંગે કરેલી ટિપ્પણીથી રાજ્યભરમાં લાગણી દુભાઈ હતી, અને હવે ચેન્નાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગે “આતંકવાદી” શબ્દપ્રયોગ સાથેનું નિવેદન આપતાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
ચેન્નાઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખડગેએ BJP અને તેના નેતૃત્વ પર નિશાન સાધતા પ્રધાનમંત્રી મોદી અંગે આતંકવાદી કહ્યા હોવાનું મીડિયામાં સામે આવ્યું હતું. નિવેદન બાદ દેશભરમાં રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ હતી અને ત્યારબાદ ખડગેએ સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે તેમના શબ્દોનો અર્થ વિરોધીઓને ડરાવવાની રાજનીતિ તરીકે લેવો જોઈએ.
આ પહેલા પણ ગુજરાતીઓ અંગે કરેલી ટિપ્પણીથી ગુજરાતની જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. હવે ફરી પ્રધાનમંત્રી મોદી અંગે કરાયેલા નિવેદનથી સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓમાં ગુજરાતની જનતા કોંગ્રેસથી વધુ વિમુખ થાય તેવી રાજકીય ચર્ચા શરૂ થઈ છે.
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આવા નિવેદનોથી કોંગ્રેસના મૂળ મુદ્દાઓ પરથી ધ્યાન હટી વિરોધીઓને હુમલો કરવાનો મોકો મળે છે. ગુજરાતમાં કોંગ્રેસ પહેલેથી જ લઘુમતી રાજકીય સ્થિતિમાં છે, ત્યારે આવી ટિપ્પણીઓ પક્ષને વધુ નુકસાન પહોંચાડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એક પછી એક આવી ઘટનાઓથી કોંગ્રેસના નેતૃત્વ અને રાજકીય રણનીતિ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જનતા હવે આ મુદ્દે સ્પષ્ટતા અને જવાબદારીની અપેક્ષા રાખે છે.




