મુન્દ્રામાં ભારત વિકાસ પરિષદ દ્વારા શ્રાવણી અમાસ નિમિત્તે ગરીબ વસાહતમાં ભોજન વિતરણ કરાયું

પવિત્ર શ્રાવણી અમાસના પાવન અવસર નિમિત્તે ‘ભારત વિકાસ પરિષદ, મુન્દ્રા શાખા’ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉત્તંગ ભાવ સાથે એક સુંદર સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્થાનિક ગરીબ વસાહતના બાળકો તેમજ જરૂરિયાતમંદ પરિવારજનો માટે વિશેષ ભોજન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સેવાકાર્ય દરમિયાન સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો દ્વારા સ્વહસ્તે વસાહતના લોકોને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન તેમજ મિષ્ટાન પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી નિર્મલસિંહ પરમાર તથા અન્ય સભ્યોએ બાળકોને સ્નેહપૂર્વક ભોજન કરાવ્યું હતું.
આ સરાહનીય અને ઉત્કૃષ્ટ સેવાકાર્યના મુખ્ય દાતા તરીકે મહિલા સંયોજિકા સુરુચિબેન કુલદીપભાઈ મોડ તથા મંત્રીશ્રી મનોજભાઈ પરમાર રહ્યા હતા.
સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી સેવા, સ્નેહ અને સહાનુભૂતિ પહોંચાડવાના ભારત વિકાસ પરિષદ, મુન્દ્રા શાખાના આ સુંદર પ્રયાસની સમગ્ર પંથકમાં ભૂરિ-ભૂરિ પ્રશંસા થઈ રહી છે અને આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.





