ટોચના સમાચાર

આરોપીઓના માનવ અધિકારો અને ધરપકડની પ્રક્રિયા અંગે ગુજરાત પોલીસ મહાનિદેશક (DGP)ની નવી માર્ગદર્શિકા

સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને પગલે, આરોપીઓની ધરપકડ અને તપાસની પ્રક્રિયા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને પગલે, આરોપીઓની ધરપકડ અને તપાસની પ્રક્રિયા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

આરોપીઓને જાહેરમાં દોરડાથી બાંધીને સરઘસ કાઢવા અને તેમની સાથે અમાનવીય વર્તન કરવાથી ગુજરાત પોલીસની છબી ખરડાઈ હોવાની નોંધ લઈને, ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે આ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

ધરપકડ કરતી વખતે રાખવાની સાવચેતીઓ અને અધિકારો :

* જાહેરમાં પરેડ પર પ્રતિબંધ: આરોપીની ધરપકડ કરતી વખતે તેને જાહેરમાં પરેડ કરાવી શકાશે નહીં.

* સલામતી અને સન્માન : આરોપીને પોલીસ સ્ટેશન કે મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જતી વખતે હિંસાત્મક ટોળાથી બચાવવો પડશે. તેની સાથે કોઈ ગેરવર્તણૂક ન થાય અને તેનું આત્મસન્માન જળવાય તે રીતે વ્યવહાર કરવાનો રહેશે.

* ઓળખ અને મેમોરેન્ડમ : ધરપકડ કરનાર પોલીસ અધિકારીએ પોતાનું નામ અને ઓળખ સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે. ધરપકડનું મેમોરેન્ડમ તૈયાર કરી તેમાં સાક્ષી (કુટુંબના સભ્ય કે સ્થાનિક માનનીય સભ્ય)ની સહી લેવી ફરજિયાત છે.

* પરિવારને જાણ: આરોપીની ધરપકડની જાણ તેના સગાને કે મિત્રને કરવાનો આરોપીને અધિકાર છે.

* એડવોકેટને મળવાનો અધિકાર : પૂછપરછ દરમિયાન આરોપી પોતાની પસંદગીના એડવોકેટને મળવા માટે હકદાર રહેશે.

હાથકડી પહેરાવવા અંગેના નિયમો :
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૪૩ મુજબ, માત્ર ગંભીર ગુનાઓ જેવા કે આતંકવાદી કૃત્ય, સંગઠિત ગુનાખોરી, ડ્રગ્સ સંબંધિત ગુના, હત્યા, બળાત્કાર, એસિડ એટેક, નકલી નોટો, માનવ તસ્કરી, બાળકો વિરુદ્ધના ગુના અને રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં જ પોલીસ આરોપીને હાથકડીનો ઉપયોગ કરી શકશે. આ સિવાયના અન્ય ગુનાઓમાં હાથકડી પહેરાવવાની જરૂર જણાય તો સંબંધિત મેજિસ્ટ્રેટ પાસેથી પૂર્વ મંજૂરી મેળવવી પડશે.

પોલીસના વર્તન પર સખત પ્રતિબંધો :

તપાસ અર્થે, મેડિકલ ચકાસણી માટે કે પંચનામા વખતે આરોપીને સાથે રાખીને ફરતી વખતે માનવ ગૌરવનું હનન ન થાય તેની સુનિશ્ચિતતા કરવાની રહેશે. પોલીસ દ્વારા નીચે મુજબના વર્તન પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે :

* આરોપીઓને જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી કે ઘૂંટણિયે ચલાવવો

* જાહેરમાં લાત મારવી કે લાકડીથી માર મારવો

* જાહેરમાં હાથ જોડાવી, કાન પકડાવી માફી મંગાવવી કે મુર્ગો બનાવવો

કડક શિક્ષાત્મક કાર્યવાહી:

માનવ અધિકારના હક્ક મુજબ આરોપીની પ્રતિષ્ઠા વિરુદ્ધ કોઈ કૃત્ય થશે અને જો કોઈ પણ અધિકારી કે કર્મચારી આરોપીના માનવાધિકારનું હનન કરશે, તો તેની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી સંબંધિત વિસ્તારના ડી.વાય.એસ.પી. થી લઈને ઉચ્ચ અધિકારીઓની રહેશે.

ગુજરાત પોલીસ આરોપીઓના કાયદાકીય અને માનવીય અધિકારોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
  • %
Back to top button
error: Content is protected !!