ઇડરમાં દબાણો સામે તંત્રનો કડક ડંડો: તિરંગા સર્કલથી બસ સ્ટેશન સુધી લારી-ગલ્લા, ગેરકાયદે બોર્ડ અને રોડ અવરોધો દૂર

ઇડર શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને મુખ્ય માર્ગોને દબાણમુક્ત કરવા માટે ઇડર નગરપાલિકા અને ઇડર પોલીસ દ્વારા સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસર જૈમીન ચૌધરી, ઇડર ડિવાયએસપી સિમત ગોહિલ તથા ઇડર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તિરંગા સર્કલથી મામલતદાર કચેરી થઈ બસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર ઉભા રહેતા લારી-ગલ્લા, રોડ પર અવરોધરૂપ રાખવામાં આવેલી સામગ્રી તેમજ ગેરકાયદે મૂકાયેલા બોર્ડ દૂર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વલાસણા રોડ પર રોડની બાજુમાં આડેધડ પાર્ક કરાયેલી બાઇકો અને એક્ટિવા પણ હટાવવામાં આવી હતી, જેથી વાહનવ્યવહાર સરળ અને અવરોધમુક્ત બની રહે. કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા બોર્ડ, લારીઓ તથા અન્ય સામગ્રીને ઇડર નગરપાલિકાના ટ્રેક્ટરમાં ભરી નગરપાલિકા ખાતે લઈ જવામાં આવી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
તંત્રએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે, દબાણમુક્ત માર્ગો ઉપલબ્ધ બને અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આગામી સમયમાં પણ આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.




