ઇડર શહેરમાં ‘યા હુસેન’ ના નારાઓ સાથે મહોરમ ની ગમગીન માહોલમાં ઉજવણી

મહોરમ નિમિત્તે આસુરાની ગમગીન માહોલમાં ઉજવણી
ઇડર: હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કરબલાના મેદાનમાં અપાયેલી શહાદતની યાદમાં મહોરમ પર્વની દેશભરમાં ગમગીન માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત ઇડર શહેરમાં પણ મહોરમ નિમિત્તે પરંપરાગત અને ભારે આસ્થાભેર માતમ મનાવવામાં આવ્યો હતો. ઇડરનો ઐતિહાસિક હુસેની ચોક અકીદતમંદોની ભીડ અને ‘યા હુસેન’ ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.
તાજિયાના જુલૂસમાં ઉમટી જનમેદની
મહોરમની ૧૦મી તારીખ એટલે કે ‘આશુરા’ ના દિવસે ઇડર શહેરના વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક અને ભવ્ય તાજિયાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેનની યાદમાં અને ‘યા હુસેન, યા હુસેન’ ના નારા લગાવીને માતમ મનાવવામાં આવ્યો હતો. આ ભવ્ય જુલૂસ હુસેની ચોક માં ફરી રહ્યું હતું ત્યારે ત્યાંનો માહોલ અત્યંત ગમગીન અને ભક્તિમય બની ગયો હતો.
કોમી એકતાના દર્શન
ઇડર શહેરમાં યોજાયેલા આ મહોરમના પર્વમાં માત્ર મુસ્લિમ બિરાદરો જ નહીં, પરંતુ હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને અન્ય ધર્મના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. હિન્દુ ભાઈઓએ પણ તાજિયાના દર્શન કરી મન્નતો માંગી હતી, જે ઇડર શહેરની વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાની પરંપરાને ઉજાગર કરે છે.
વહીવટી તંત્ર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
જુલૂસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઇડર પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો અને હુસેની ચોક વિસ્તારમાં પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં જુલૂસ સંપન્ન થતાં વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
મહોરમના પર્વમાં ઇડર કસ્બા મુસ્લિમ મોટી જમાતના પ્રમુખ હાજી મોહમદહારુન ડી.પઠાણ,ચેરમેન મોહરમ કમિટી,ઇડર માજીદખાન રસીદખાન પઠાણ,વા.ચેરમેન મોહરમ કમિટી,ઇડર સરફરાજખાન એસ નાગોરી તેમજ ઇડર કસ્બા મુસ્લિમ મોટી જમાત તમામ નાના-મોટા સભ્યો તેમજ સ્વયંસેવકો, જેમણે રાત-દિવસ જોયા વગર ખડેપગે સેવા આપીને આ પર્વને સફળ બનાવ્યો, તે બદલ તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.
મોડી રાત સુધી હુસેની ચોકમાં ચાલેલા માતમ અને આઝાદારીના કાર્યક્રમોમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઇમામ હુસેનની શહાદતને યાદ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપતા નજરે પડ્યા હતા. મોડી રાત્રે કરબલાના પ્રતીક સમી જગ્યાએ તાજિયાને અશ્રુ વદને ઠંડા કરી મહોરમ પર્વની પૂર્ણાહુતિ કરવામાં આવશે




