“રાષ્ટ્રીય કોકરોચ જનતા પાર્ટી”થી ડિજિટલ વિરોધની લહેર : યુવાધનના અપમાન સામે સોશિયલ મીડિયામાં ઉઠ્યો અવાજ

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ Surya Kant દ્વારા બેરોજગાર યુવાઓ, સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને RTI કાર્યકરો અંગે કરવામાં આવેલી “કોકરોચ” ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર “રાષ્ટ્રીય કોકરોચ જનતા પાર્ટી” નામનું ડિજિટલ અભિયાન શરૂ થયું છે. આ અભિયાન થોડા જ સમયમાં લાખો લોકો સુધી પહોંચી ગયું છે અને ખાસ કરીને યુવા વર્ગમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
મીડિયા અહેવાલો મુજબ “રાષ્ટ્રીય કોકરોચ જનતા પાર્ટી” નામનું આ અભિયાન અભિજીત દિપકે નામના યુવાન દ્વારા શરૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં મીમ અને વ્યંગાત્મક પોસ્ટ સ્વરૂપે શરૂ થયેલું આ પ્લેટફોર્મ હવે યુવાનોના અસંતોષ, બેરોજગારી અને પ્રણાલી પ્રત્યેના ગુસ્સાનું પ્રતિક બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર “Voice of the Lazy & Unemployed” જેવા સૂત્રો ભારે વાયરલ બન્યા હતા.
“રાષ્ટ્રીય કોકરોચ જનતા પાર્ટી”ના મેનિફેસ્ટોમાં પાંચ મુખ્ય મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોને રાજકીય પદો ન આપવા, ચૂંટણીમાં ગેરરીતિ કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી, મહિલાઓને 50 ટકા રાજકીય પ્રતિનિધિત્વ, ખોટી માહિતી ફેલાવતી મીડિયા સંસ્થાઓ સામે પગલાં અને પક્ષપલટો કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે લાંબા ગાળાનો પ્રતિબંધ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મુદ્દાઓ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહ્યા છે.
દેશભરમાં અનેક યુવાનો દ્વારા એવો સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે દેશના યુવાધન અંગે “કોકરોચ” જેવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય ગણાય ? યુવાનોનું કહેવું છે કે બેરોજગારી માત્ર વ્યક્તિગત નિષ્ફળતા નથી પરંતુ સરકારની નીતિઓ, ભરતી પ્રક્રિયામાં વિલંબ, પરીક્ષા કૌભાંડો અને રોજગારીની અછત પણ તેના માટે જવાબદાર હોય છે. લાખો યુવાનો વર્ષો સુધી અભ્યાસ અને મહેનત કરતા હોય છે ત્યારે આવા શબ્દો તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ પણ તેજ બની રહી છે કે સામાન્ય નાગરિકોના ટેક્સના પૈસાથી જ સરકારો, તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને વિદેશ પ્રવાસો સહિતની તમામ જાહેર વ્યવસ્થાઓ ચાલે છે. તેથી ઉચ્ચ પદો પર બેઠેલા લોકો દ્વારા વધુ જવાબદાર અને સંવેદનશીલ ભાષાનો ઉપયોગ થવો જોઈએ. ઘણા લોકોનું માનવું છે કે કોઈપણ વ્યક્તિ ભલે કેટલા પણ ઊંચા પદ પર હોય, પરંતુ જો જાહેરમાં અપમાનજનક નિવેદન આપે તો તેના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.
વિશ્લેષકોના મતે “રાષ્ટ્રીય કોકરોચ જનતા પાર્ટી” માત્ર મીમ કે મજાક પૂરતી સીમિત નથી રહી પરંતુ તે આજના યુવાનોના ડિજિટલ વિરોધ, અસંતોષ અને અભિવ્યક્તિનું પ્રતિક બની ગઈ છે. સોશિયલ મીડિયા હવે માત્ર મનોરંજન નહીં પરંતુ લોકશાહી અવાજ અને જનપ્રતિક્રિયાનું સૌથી શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે.




