પ્રાંતિજના પીલુદ્રા બાગ નજીક આઈશરમાં અચાનક આગ લાગતા કેબીન ભસ્મીભૂત ચાલકનો સમયસૂચકતાથી આબાદ બચાવ, નેશનલ હાઈવે-૪૮ પર થોડા સમય માટે અફરાતફરી


ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે શોર્ટસર્કિટ અને આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બુધવારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પીલુદ્રા બાગ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ પર ઉભેલી એક આઈશરમાં અચાનક આગ લાગી હતી. ઘટનાને કારણે થોડા સમય માટે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ આ આઈશર અમદાવાદ ખાતે માલ ખાલી કરીને રાજસ્થાન તરફ જઈ રહી હતી. દરમિયાન પીલુદ્રા બાગ નજીક વાહન ઉભું રાખવામાં આવ્યું હતું. ચાલક આઈશરના કેબીનમાં આરામ કરી રહ્યો હતો ત્યારે અચાનક કેબીનમાંથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાં ચાલક ગભરાઈ ગયો હતો, પરંતુ સમયસૂચકતા વાપરી તરત જ કેબીનમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાની જાણ પ્રાંતિજ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ એટલી વિકરાળ હતી કે આઈશરનું કેબીન સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું.

સદ્નશીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પ્રાથમિક તબક્કે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




