હિમતનગર

જાગૃત વિપક્ષના નેતાની ધારદાર રજૂઆત : “પહેલા રોડ બનાવો… પછી તોડો!” ગાંધી રોડ પર આયોજનહીન વિકાસ સામે ઉઠ્યા સવાલો

હિંમતનગરનો સૌથી વ્યસ્ત અને મુખ્ય વેપારી વિસ્તાર ગણાતો ગાંધી રોડ છેલ્લા ત્રણ વર્ષથી ખામીયુક્ત આયોજન, અધૂરી કામગીરી અને વહીવટી બેદરકારીના કારણે ભારે ચર્ચામાં રહ્યો છે. રોજિંદા હજારો વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકો ટ્રાફિક, અંધકાર અને અવ્યવસ્થાની સમસ્યાથી પરેશાન બની રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર હજુ સુધી મૌન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગાંધી રોડ પર લાલ રોડની બન્ને બાજુ બનાવવામાં આવેલી ટ્રેન્ચના કારણે રસ્તો સાંકડો બની ગયો છે, જેના કારણે દિવસભર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત રસ્તાની વચ્ચોવચ હજુ સુધી જૂના વીજ થાંભલાઓ ઉભા હોવાથી અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અનેક વખત રજૂઆતો છતાં નડતરરૂપ થાંભલાઓ દૂર કરવામાં આવ્યા નથી.

તાજેતરમાં વખારિયા સામે જિલ્લા પુસ્તકાલય તરફનો ડામર રોડ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પરંતુ સ્ટ્રીટ લાઈટ માટે જરૂરી વાયરિંગ અગાઉથી ન કરાતા હવે નવા બનેલા રોડને ફરીથી તોડવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું વિકાસ કામોમાં કોઈ તકનીકી આયોજન કરવામાં આવતું નથી?

બીજી તરફ સત્યમ સ્ટોર્સ સામે નવા છ લાઈટ પોલ છેલ્લા ઘણા મહિનાઓથી રસ્તા પર જ પડેલા જોવા મળી રહ્યા છે. જાહેર રસ્તા પર ખુલ્લા મુકાયેલા પોલના કારણે નુકસાન કે ચોરીની શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે. સાથે જ નવા પોલ ઉભા થયા હોવા છતાં હજુ સુધી સ્ટ્રીટ લાઈટ શરૂ ન થતા ગાંધી રોડ સાંજ પછી અંધકારમાં ગરકાવ થઈ જાય છે.

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ ખાડિયા હનુમાનજી મંદિર, જિલ્લા પુસ્તકાલય સંકુલ અને બેંક ઓફ બરોડા ગલી નજીકની ડીપીમાંથી તાત્કાલિક કનેક્શન આપી સ્ટ્રીટ લાઈટ શરૂ કરવાની માંગ ઉઠાવી છે. ઉપરાંત રસ્તાની વચ્ચેથી તમામ નડતરરૂપ જૂના થાંભલાઓ દૂર કરવા, રસ્તા પર પડેલા નવા પોલને સુરક્ષિત સ્થળે ખસેડી તૈયાર ફાઉન્ડેશન પર સ્થાપિત કરવા અને આગામી સાત દિવસમાં સમગ્ર લાઈટિંગ કામગીરી પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે.

ગાંધી રોડની સતત વધી રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને હવે તકનીકી સર્વે કરી કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજન જાહેર કરવાની માંગ પણ જોર પકડી રહી છે.

સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું વેપારીઓ અને નાગરિકોની સમસ્યાઓ માત્ર ચૂંટણી સમય સુધી જ મહત્વની રહે છે? કરોડો રૂપિયાના વિકાસ કામોમાં આયોજનનો આટલો અભાવ કેમ જોવા મળી રહ્યો છે? અને એક જ કામ માટે વારંવાર ખર્ચ કરીને આખરે કોના હિતો સાચવવામાં આવી રહ્યા છે?

નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા બાંધકામ શાખાના ચેરમેનશ્રી દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી કરી બાકી રહેલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાંથી નમ્ર માંગ ઉઠી રહી છે.

હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનહિતમાં લોકશાહી માધ્યમોથી ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!