ડિજિટલ એરેસ્ટના નામે ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને લાખોની છેતરપિંડીથી બચાવ્યા બેંક કર્મચારીઓની સતર્કતા અને સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસની સમયસર કામગીરીથી ઠગોની યોજના નિષ્ફળ

સાબરકાંઠાના હિંમતનગરમાં ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ઠગો દ્વારા ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે બેંક કર્મચારીઓની સતર્કતા અને સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસની સમયસર કામગીરીથી મોટી નાણાકીય છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી છે.
હિંમતનગરના રહેવાસી ૭૫ વર્ષીય રસિકભાઈ મોદી અને તેમના પત્નીને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપી હતી. ઠગોએ દાવો કર્યો કે તેમના આધાર કાર્ડ પરથી ખરીદાયેલ સિમ કાર્ડનો ઉપયોગ ગંભીર આર્થિક ગુનાઓમાં થયો છે અને તેમની ધરપકડ થઈ શકે છે. ત્યારબાદ બંનેને સતત વીડિયો કોલ પર રાખી ડિજિટલ એરેસ્ટ હોવાનું જણાવી માનસિક રીતે ડરાવવામાં આવ્યા હતા. કેસમાંથી બચાવવા માટે મોટી રકમની માંગણી કરવામાં આવી હતી.
ઠગોના દબાણમાં આવી વૃદ્ધ દંપતી પૈસાની વ્યવસ્થા કરવા બેંક લોકરમાં રહેલા ઘરેણાં અને એફ.ડી. તોડાવવા હિંમતનગરની એક્સિસ બેંક પહોંચ્યા હતા. જોકે બેંકના કર્મચારીઓને તેમની હિલચાલ શંકાસ્પદ લાગતા તેમણે તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતા જ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ બેંક પહોંચી હતી. પોલીસે વૃદ્ધ દંપતીને સમજાવ્યું કે ભારતની કોઈ પણ પોલીસ કે તપાસ એજન્સી વીડિયો કોલ દ્વારા પૂછપરછ કરતી નથી તેમજ કોઈને ડિજિટલ એરેસ્ટ પણ કરતી નથી. ત્યારબાદ દંપતીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને લઈ જઈ સમગ્ર ઘટનાની માહિતી આપી ઠગોના જાળમાંથી બહાર કાઢ્યા હતા. બેંક કર્મચારીઓની સતર્કતા અને સાયબર ક્રાઈમ પોલીસની સમયસર કામગીરીના કારણે લાખો રૂપિયાની સંભવિત છેતરપિંડી અટકાવવામાં સફળતા મળી હતી. આ ઘટનાને પગલે પોલીસે નાગરિકોને અજાણ્યા ફોન, વીડિયો કોલ અને ડિજિટલ એરેસ્ટના નામે થતી છેતરપિંડીથી સાવચેત રહેવા અપીલ કરી છે.




