ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સહિત વિવિધ માંગણીઓને લઈને સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશન આક્રમક મોડમાં

ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ સહિત વકીલોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને સમગ્ર રાજ્યમાં વકીલોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર ગત ૩ ઓક્ટોબરથી રાજ્યભરના બાર એસોસિએશનો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના ભાગરૂપે હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના વકીલોએ પણ કોર્ટ કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહી સજ્જડ વિરોધ દર્શાવ્યો હતો.
આજે વિરોધના આક્રમક કાર્યક્રમ હેઠળ હિંમતનગર ખાતે વકીલોએ એકઠા થઈ કોર્ટના મુખ્ય ગેટને તાળાબંધી કરી દીધી હતી. વકીલોએ કોર્ટ પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર કરી પ્રતિકાત્મક ધરણા યોજ્યા હતા તેમજ કાગળની હોડીઓ બનાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
નવા ભાડા વિધેયક અને પોલીસ સત્તા સામે ભારે અસંતોષ વકીલોના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત ‘ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬’માં ભાડા સંબંધિત કેસોમાં અદાલતોની સત્તા અને ક્ષેત્રાધિકાર (હકુમત)માં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ વિધેયકમાં રહેલી ગંભીર ખામીઓને દૂર કર્યા વિના જ તેને પસાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ન્યાય પ્રક્રિયા માટે નુકસાનકારક છે.
માત્ર ભાડા વિધેયક જ નહીં, પરંતુ વકીલો દ્વારા અન્ય મુખ્ય માંગણીઓ પણ રજૂ કરવામાં આવી છે:
-
એડવોકેટ પ્રોટેક્શન એક્ટ: વકીલોની સુરક્ષા માટે તુરંત ‘એડવોકેટ પ્રોટેક્શન એક્ટ’ લાગુ કરવામાં આવે.
-
પોલીસ સત્તામાં ફેરફાર: પોલીસને આપવામાં આવેલી કેટલીક બિનજરૂરી સત્તાઓ પાછી ખેંચવામાં આવે.
-
સજાની જોગવાઈ: સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ ધરાવતા કેસોમાં પોલીસ કાર્યવાહી સંબંધિત નીતિ-નિયમોમાં સુધારો કરવામાં આવે.
માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ શર્માએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી વકીલોની વાજબી માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે અને ભાડા વિધેયક અંગે રજૂ કરાયેલા સૂચનોને ધ્યાને લેવામાં નહીં આવે, ત્યાં સુધી આ અચોક્કસ મુદતની હડતાળ અને વિરોધ પ્રદર્શન યથાવત્ રાખવામાં આવશે.
કોર્ટની કામગીરી ઠપ્પ થવાના કારણે અસીલો અને કાનૂની કામકાજ અર્થે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ વકીલો પોતાની માંગણીઓને લઈને મક્કમ વલણ અપનાવી રહ્યા છે.




