સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ૨૦૨૬-૨૭ માટે ૧૯૯૭ કરોડનો અંદાજપત્ર રજૂ
અપેક્ષિત ૧૯૯૭ કરોડ સામે ૧૩૮૭ કરોડની આવકને આધારે બજેટ તૈયાર

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે વર્ષ ૨૦૨૬-૨૭ માટેનો ૧૯૯૭ કરોડ રૂપિયાનો અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો છે. વિકાસલક્ષી અને લોકાભિમુખ કાર્યોને પ્રાધાન્ય આપતા બજેટમાં માર્ગ, શિક્ષણ, આરોગ્ય અને પાણી બચત જેવા મુદ્દાઓને વિશેષ મહત્વ અપાયું છે.સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્ર મુજબ ગુજરાત સરકારની ભરતી સિલક સહિત અપેક્ષિત ૧૯૯૭ કરોડની સામે ૧૩૮૭ કરોડની આવકોને ધ્યાનમાં રાખી બજેટ તૈયાર કરાયું છે. જિલ્લા પંચાયત દ્વારા ૨૭૫ કરોડના ખર્ચે નવા રસ્તા બનાવવાના તેમજ જૂના રસ્તાઓના મરામતનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. સાથે જ વર્ષ દરમિયાન ૧૧૬ નવી ગ્રામ પંચાયત ભવનો માટે ૩૦ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. ૫૦ નવી આંગણવાડી ભવનોને મંજૂરી અપાઈ છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧૪૪૨ નવા વર્ગખંડોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી ૧૦૪૫ વર્ગખંડોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. વહીવટ, વિકાસ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સમાજ કલ્યાણ અને જાહેર બાંધકામ સહિતના ક્ષેત્રોમાં પણ લાખો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લામાં સોલર રૂફટોપ પ્લાન્ટના ૫૦ ટકા કરતાં વધુ કામ પૂર્ણ થયાનું પણ જણાવાયું છે. સાથે જ પાણી બચત માટે જિલ્લા પંચાયત દ્વારા એક કરોડ રૂપિયાનું અનામત રાખવામાં આવ્યું છે. જિલ્લાના વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ હોવાનો દાવો જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે.





