સાબરકાંઠા જીલ્લા ભાજપ દ્વારા બજેટ અંતર્ગત પત્રકાર પરીષદ યોજાઇ
કેન્દ્રીય બજેટ ભલે ફુલ ગુલાબી નથી પણ વર્ષ ર૦૪૭નો રોડમેપ છે.

જીજ્ઞેશ સોની હિંમતનગર
સંસદમાં ગત તા. ૧ ફેબ્રુઆરીને રવિવારે કેન્દ્રીય નાણાં મંત્રીએ વર્ષ ર૦ર૬-ર૭ નું સામાન્ય બજેટની સાથે રેલ્વે બજેટ રજૂ કર્યું છે ત્યારે અત્યાર સુધીના ઈતિહાસમાં રવિવારે બજેટ રજૂ કરવાની ઘટના પ્રથમ હોવાનો દાવો કરીને શનિવારે યોજાયેલ બજેટ પરિસંવાદમાં જિલ્લા ભાજપના અગ્રણીઓ તથા બજેટનું જ્ઞાન ધરાવતા બે તજજ્ઞઓએ આ વર્ષે રજૂ કરાયેલા બજેટ ભલે ફુલ ગુલાબી નથી પરંતુ વર્ષ ર૦૪૭ સુધીનો રોડમેપ છે.
સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, બજેટની જોગવાઈઓથી જાણકાર એવા સી.એ ડો.અરવિંદભાઈ દોશી અને લઘુઉદ્યોગના અગ્રણી પ્રફુલ કાથાવાલાએ શનિવારે યોજાયેલ બજેટ પરિસંવાદ અંતર્ગત પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નાણાં મંત્રી નિર્મલા સીતારામનએ તા.૦૧ ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં ડિજીટલ માધ્યમથી બજેટ રજૂ કર્યું હતુ. જેમાં સરકારે મહિલાઓ, ઉદ્યોગો, ખેડૂતવર્ગ,નાના વેપારીઓ તથા આમ પ્રજાને સ્પર્શે તેવા પાસાઓના ઉત્થાન માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરી છે. સામાન્ય રીતે આમ પ્રજા બજેટને ફૂલ ગુલાબી માનતા નથી તે પાછળ તેમની વિચારસરણી જવાબદાર છે. લઘુઉદ્યોગના અગ્રણી પ્રફુલ કાથાવાલાએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતુ કે આ વખતના બજેટમાં ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડવા માટે જે કોરીડોર તૈયાર કરવાની વાત કરીને નાણાંની જોગવાઈ કરી છે ત્યારે તેનો સીધો ફાયદો ગુજરાતના નાના-મોટા તમામ ઉદ્યોગોને મળી શકશે. કારણ કે ઉદ્યોગોમાં તૈયાર થતાં માલને અન્ય સ્થળે મોકલવા માટે ઝડપી સુવિધા મળશે.
બજેટ પરિસંવાદમાં પ્રમુખ કનુભાઈ પટેલે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ બજેટને લઈને સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના નાના-મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. આવખતના બજેટમાં ખાસ કરીને દરેક જિલ્લામાં મહિલા હોસ્ટેલ બનાવવાની નેમ રખાઈ છે તેના કારણે મહિલાઓને શિક્ષણ મેળવવા માટે ઘર છોડીને અન્ય સ્થળે જવાનું થાય ત્યારે તેમની સલામતી રહે તે માટે આવી મહિલાઓને સુવિધાયુક્ત સગવડો મળશે. એટલુ જ નહી પણ નોકરી કરતી મહિલાઓ માટે પણ આ મહિલા હોસ્ટેલમાં રહેવાની સગવડ મળી શકશે. વધુમાં જણાવાયા મુજબ પ્રથમ નજરે આ બજેટ ભલે આમ પ્રજાને ફાયદો કરાવે તેવું નથી પરંતુ ખેડૂતવર્ગ તથા આમ પ્રજાને ધ્યાનમાં રાખીને કરાયેલી જોગવાઈની અસરો લગભગ ર૦ થી રર વર્ષ પછી જોવા મળી શકે છે. જેથી એટલુ કહી શકાય કે આ બજેટ વર્ષ ર૦૪૭નો રોડમેપ છે. જેથી તેની અસરો અને પ્રગતિ જોવા માટે દેશના નાગરિકોને ધીરજ રાખવી પડશે. બજેટ પરિસંવાદમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, નવનિયુક્ત જિલ્લા મહામંત્રી બિપીન ઓઝા, ગણપતસિંહ ઝાલાએ પણ બજેટને અનુલક્ષીને પૂરક જાણકારી રજૂ કરી હતી.





